(કોટડા ચકાર), તા. 12 : ઉનાળાના પ્રારંભ સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પશુ-પક્ષીઓ અને
વન્યજીવો માટે પીવાનાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાને લઈ મિશન હરિઓમ સંસ્થા દ્વારા દાતાઓના
સહયોગથી આ પંથકના સીમાડાઓમાં પચ્ચીસ જેટલા પાકા અવાડા બનાવી જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
પૂરું પાડવામાં આવ્યું છે. કૈલાસનગર શાખાના
આચાર્ય શ્રીહરિ અને સૂરજપર મોવડી નારણબાપા (કેરાઈ), સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોનાં
માર્ગદર્શન અને વિશેષ સહયોગથી આ વિસ્તારમાં
25 જેટલા પાકા અવાડાનું નિર્માણ
કરવામાં આવ્યું છે. આ પંથકમાં ગાય, બળદ, ઘેટા, ઊંટ અને ભેંસો જેવાં
પાલતુ પશુઓની સાથે જંગલી જાનવરો માટે આ અવાડા આશીર્વાદરૂપ સાબિત થશે. સંસ્થા દ્વારા
પંથકનાં વિવિધ ગામો અને ધાર્મિક સ્થળોએ આ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે, ભારાપર, સણોસરા,
રેહા, કોટડા ચકાર, કૈલાસનગર,
આશાપુરા મંદિર અને મમિયાદેવ મંદિરના સીમાડાઓનો સમાવેશ થાય છે. માત્ર
અવાડા બનાવવા પૂરતું જ નહીં, પરંતુ તેમાં નિયમિત રીતે પાણી ભરાય અને સમયાંતરે સફાઈ થાય તેની સંપૂર્ણ જવાબદારી
ગાયોના ગોવાળો અને ગૌભક્તો દ્વારા ઉપાડવામાં આવી છે. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું
સુકાન શ્રીહરિ, નારાણબાપા, સૂરજપરના જગદીશ
પિંડોરિયા, સૂરાભાઈ રબારી તેમજ સંસ્થાના સેવાભાવી યુવાનો સંભાળી
રહ્યા હોવાનું જણાવ્યું હતું. ભરઉનાળે તરસ્યાં પશુ-પક્ષીઓ માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને
પંથકના લોકો અને જીવદયાપ્રેમીઓએ બિરદાવી હતી.