ગાંધીધામ, તા. 12 : આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના
હોદ્દેદારોની અટકનો વિરોધ નોંધાવાયો હતો. દારૂબંધીની ઝુંબેશને સફળ ન થવા દેવા માટેનો
કારસો હોવાના આક્ષેપ કરાયા હતા. આદિપુર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં
કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમે પોલીસવડાની કચેરીએ અગાઉ આવેદન પાઠવી જુદા-જુદા
વિસ્તારોના નામ આપ્યા હતા. પોલીસે 10 દિવસમાં આવા અડ્ડા બંધ
કરાવવાની ખાતરી આપ્યા બાદ તે બંધ ન થતાં અમારે જનતારેડ કરવાની ફરજ પડી હતી.
અમારા આંદોલન નશામુક્ત કચ્છને સફળ ન થવા દેવા માટેનો આ કારસો હોવાનો આક્ષેપ તેમના દ્વારા
કરવામાં આવ્યો હતો. જનતારેડના પગલે સત્તાપક્ષના પેટમાં તેલ રેડાયું છે. પોલીસ હવે સ્વતંત્ર
રહી ન હોવા સહિતના આક્ષેપ કરાયા હતા. આ વેળાએ ટી.ડી. દેવરિયાએ કહ્યું હતું કે, અમે દારૂબંધીના વિરોધમાં લડી રહ્યા છીએ. સુપ્રીમ
કોર્ટના જજમેન્ટનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે, એટ્રોસીટીના પ્રકરણમાં પ્રાથમિક તપાસ
બાદ કાર્યવાહી થવી જોઈએ, પણ અહીં આવું ન થયું હોવાના આક્ષેપ તેમણે
કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં શ્રી પાતારિયા, નીલેશ મહેતા વગેરે
આપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.