માધાપર (તા. ભુજ)તા. 17 : અહીંની
ઔદિચ્ચ બ્રહ્મસમાજ વાડીની બાજુમાં આવેલાં તળાવ અને પરશુરામ વાટિકાના વિકાસ માટે
આયોજન હાથ ધરાશે એવો ઈરાદો વ્યક્ત કરીને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અહીં
તે માટે પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખ ફાળવવાની જાહેરાત કરી હતી.
અહીંનાં નવનિર્મિત પરશુરામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજર રહેલા
સાંસદે આ કાર્ય માટે અન્ય એજન્સીઓને પણ સહભાગી બનાવાશે એમ પણ જણાવ્યું હતું.
ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા નિર્માણ કરાયેલાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને
બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ
પરશુરામદાદાનાં નૂતન મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાના ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન
ઉપસ્થિત રહેલા સાંસદ શ્રી ચાવડાએ સમાજની માહિતી પુસ્તિકાનું વિમોચન પણ કર્યું
હતું. તેમણે આ મંદિરથી શ્રદ્ધાળુઓ અને અન્ય નાગરિકો માટે માધાપરમાં તૈયાર થયેલી આ
નવતર જગ્યાને બિરદાવી હતી. તેમણે સમાજની એકતાથી થતાં કામોની ખાસ નોંધ લીધી હતી. આ
પ્રસંગે જ્ઞાતિની માહિતી પુસ્તિકા તૈયાર કરનારા દર્શનભાઈ જોશી, નરેન્દ્રભાઈ વ્યાસ અને
નરેશભાઈ વ્યાસનું સાંસદના હસ્તે સન્માન કરાયું હતું. મંદિર નિર્માણ સમિતિના સભ્યો
કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા, ભુજના માજી મેયર
કિરીટભાઈ સોમપુરા અને ગામના અગ્રણી જયંતભાઈ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા
આયોજન અધિકારી જે.સી. રાવલે પણ આ પ્રસંગે હાજરી આપી હતી. મૂર્તિમાં
પ્રાણપ્રતિષ્ઠાની વિધિ દરમ્યાન ઉપસ્થિત રહેલા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ
બ્રાહ્મણોએ યજ્ઞોપવીતના સંસ્કારોનું પાલન કરવું અને કરાવવું જોઈએ એવો આગ્રહ કર્યો
હતો. તેમણે સમારંભના અંતિમ દિવસે મહાપ્રસાદના દાતાનો લાભ લીધો હતો. સંચાલન ડો.
કિશનભાઈ આર્યે કર્યું હતું. પરશુરામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે વિવિધ
કાર્યક્રમો યોજાયા હતા. સવારે પ્રભાતફેરી યોજાઈ હતી, જેનો
ભરતભાઈ પંડયા અને લાલજીભાઈ ઉપાધ્યાયે આરંભ કરાવ્યો હતો. સાંજે બાઈક રેલી યેજાઈ હતી
અને રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. પ્રથમ રાત્રે ભજનસંધ્યા યોજાઈ હતી. બીજી રાત્રે
કચ્છના જાણીતા મ્યુઝિક કમ્પોઝર કીર્તિભાઈ વરસાણીના સહયોગથી જય રાઠોડનાં ગ્રુપના
સંગીત સથવારે રાસગરબા યોજાયા હતા. આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા
મંદિર નિર્માણ સમિતિ પ્રમુખ પ્રકાશભાઇ વ્યાસ, કન્વીનર
વિનોદભાઇ સી. વ્યાસ, ઇજનેર ભાવેશભાઇ વ્યાસ, અજિતભાઇ આર્ય, જ્ઞાતિ પ્રમુખ મહેશભાઇ વ્યાસ, નાયબ મામલતદાર અર્થભાઇ વ્યાસ, અશોકભાઇ આર્ય, મુકેશભાઇ પંડયા, ધવલભાઇ રાવલ, દીપકભાઇ
પંડયા સાથે મહિલા મંડળ, યુવા મોરચા, યુવતી
મોરચાએ જહેમત ઉઠાવી હતી.