• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

નવા વર્ષની ઉજવણીમાં હોશ ન ગુમાવતા : પોલીસ સજ્જ

ભુજ/ગાંધીધામ, તા. 29 : કચ્છની હોટેલો, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ વગેરેમાં વીતેલાં વર્ષને બાય-બાય કરવા અને નવા વર્ષને આવકારવા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ પિયક્કડોએ પોતાનું ગોઠવી લીધું છે ત્યારે આવા નશેડીઓને ભાનમાં લાવવા પોલીસ સજ્જ બની છે. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક સાગર બાગમાર અને વિકાસ સુંડાએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઇ?મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાના અનુસંધાને ગઇકાલ રાતથી જ કચ્છભરમાં ઠેર ઠેર વાહનોની તલાશી અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી પોલીસે કાર્ય આરંભી દીધું છે જે 31મી ડિસેમ્બર સુધી ચાલશે. પશ્ચિમ કચ્છના પોલીસવડાએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની જ્યાં ઉજવણી થવાની છે જેમ કે હોટેલ્સ, ફાર્મહાઉસ તથા પાર્ટીપ્લોટના સંચાલકો સાથે જે-તે પોલીસ મથકના અધિકારીએ બેઠકો કરી છે અને ઉજવણીને લઇ સૂચનાઓ અપાય છે. આવી ઉજવણી કરનારા આયોજકો પણ તેમને લાગુ પડતા પોલીસ મથકનો સંપર્ક કરી લેવા જણાવ્યું છે જેથી ટ્રાફિક નિયમન અને સુરક્ષા બંદોબસ્ત થઇ શકે. આ ઉપરાંત `શી' ટીમનો સ્ટાફ પણ વધારી દેવાયો છે. ઉજવણીનાં સ્થળે સાદા ડ્રેસમાં મહિલા પોલીસ તેની ફરજમાં તૈનાત રહેશે. શ્રી સુંડાએ લોકોને અનુરોધ કરતાં નિયમોનું પાલન કરે અને કોઇ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે આવે તો તુરંત નજીકના પોલીસ મથક અથવા 100 નંબર ઉપર સંપર્ક કરે જેથી પોલીસ ત્વરિત પગલાં લઇ શકે. આ ઉપરાંત શહેરની બહાર જવાના અને અંદર આવવાના માર્ગો ઉપરાંત વિવિધ સર્કલો પર પોલીસ બ્રેથ એનેલાઇઝર સાથે તલાશી માટે સજ્જ રહેશે. બીજીતરફ પૂર્વ કચ્છમાં શનિવારથી જ પોલીસે પોતાનો ડંડો પછાડયો છે. ગઇકાલે સાંજે 6થી 9 વાગ્યા દરમ્યાન પોલીસે 1812 વાહનની તલાશી લીધી હતી. એમ.વી.એક્ટ. એન.સી.ના 279 કેસ કર્યા હતા તેમજ દારૂ સંબંધી જુદા જુદા પોલીસ મથકોમાં 7 ગુના નોંધાયા હતા. પૂર્વ કચ્છ પોલીસની આવી વિશેષ ડ્રાઇવ 31 ડિસેમ્બર સુધી જારી રહેશે અને ત્યારબાદ પણ જરૂરત જણાશે તો તેને ચાલુ રખાશે. લોકોએ ધાબા, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ, હોટેલ કે પોતાની સોસાયટીઓમાં નવા વર્ષને આવકારવા આયોજન કર્યું છે જે નીતિનિયમો અને કાયદા અંદર કરાય તે ઇચ્છનીય છે, પરંતુ અમુક પિયક્કડોએ પોતાની વ્યવસ્થા અગોતરી ગોઠવી લીધી છે જેમને પકડી પાડવા પોલીસે પૂર્વ કચ્છના જાહેર માર્ગો, ચાર રસ્તાઓ, આંતરિક અને અંતરિયાળ માર્ગો ઉપર પણ બ્રેથ એનેલાઇઝર સાથે ગોઠવાઇ જશે અને આવા શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવું પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd