મુંદરા, તા.
27 : અહીંની મામલતદાર કચેરીમાં લાંબા સમયથી આધારકાર્ડ સંબંધી કામો માટે લાઈનો લાગી
રહી છે અને વારંવાર પ્રશ્નો સર્જાતા હોવાની તેમજ જરૂરિયાતનાં પ્રમાણમાં પૂરતી સુવિધા
ન હોવાની લોકોએ ફરિયાદ ઉઠાવી છે. જો કે, આ સંદર્ભે મામલતદાર કલ્પનાબેન ગોંદિયાનો કચ્છમિત્રએ
સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, બે કિટ અને વધારામાં એક મોબાઈલ દ્વારા પણ આધારની કામગીરી
શરૂ કરાઈ છે. હવે તો અમે દૈનિક 100થી 175 જેટલા ટોકન આપીએ છીએ, જેથી અરજદારોને ધક્કા
ન પડે. ક્યારેક જ કોઈ કિટ બંધ થઇ જાય અથવા તો ઓપરેટર બદલી જાય તો ઓપરેટર મૂકવાની પ્રક્રિયા
જ લાંબી છે, એટલે મુશ્કેલી સર્જાતી હોય. આમ છતાં હવે નવા ત્રણ- ચાર યુવાનોને પરીક્ષા
અપાવી છે. તાલુકામાં અન્ય સ્થળે પણ આધારનું કામ ચાલુ છે અને અમે લોકોને જાગૃત પણ કરીએ
છીએ. જો કે, સૌથી વધુ ધસારો મામલતદાર કચેરીએ એટલે ક્યારેક પ્રશ્ન થાય છે. હવે શિક્ષણતંત્રની
કિટ પણ એક-બે દિવસમાં શરૂ થઈ જશે એટલે ધસારો હળવો થઈ જશે. દરમિયાન બેંક ઓફ બરોડાની
કિટ મામલતદાર કચેરીએ મુકાઈ હતી, એનું કામ પણ હવે બેંકમાં જ ફરી શરૂ થઈ જશે. કચેરીએ
અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે અને લાંબો સમય રહેવું પડે તો એ માટે બાંકડા સહિત જરૂરી
સુવિધાઓનું પણ પોતે ધ્યાન રાખતા હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.