• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

આર્થિક સુધારાના શિલ્પકાર ડો. મનમોહન સિંહની વિદાય

ભારતમાં આર્થિક ઉદારીકરણની મશાલ પ્રગટાવનાર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના સ્વર્ગવાસથી એક યુગનો અંત આવ્યો છે. વડાપ્રધાન તરીકે 2004થી 2014 સુધી બે ટર્મમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ડો. મનમોહન સિંહ એક નેતા તો હતા, પરંતુ તેમની ગણના એક અર્થશાત્રીના રૂપમાં વધુ થતી હતી. નાણાપ્રધાન તરીકે એમણે 1991માં શરૂ કરેલા આર્થિક ઉદારીકરણમાં બેહદ મહત્ત્વની ભૂમિકા નિભાવી અને ભારતીય અર્થતંત્રને વૈશ્વિક બજાર માટે ખુલ્લું મૂક્યું હતું. 1991માં દેશમાં ભાવવધારાની વિકટ સમસ્યા હતી. વિકાસ તો શું સામાન્ય સરકારી ખર્ચ ચલાવવાનો ખજાનો ખાલી હતો અને વિદેશી હૂંડિયામણ મેળવવા સોનું વેચવાનો સમય આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના એક ફોન પછી અર્થશાત્રી ડો. મનમોહન સિંહે દેશના અર્થતંત્રની દિશા બદલી દીધી હતી. દુનિયા માટે હિન્દુસ્તાનના દરવાજા ખોલી દીધા હતા. વિભિન્ન સરકારી પદોથી નાણાપ્રધાન અને પછી બે વખત વડાપ્રધાન રહેલા અડધી સદીથી વધુ સમય સુધી ભારતની અર્થનીતિઓમાં ડો. સિંહની છાપ હતી, પરંતુ ઉદારવાદના જનક નાણાપ્રધાનનો હોદ્દો સંભાળવાનો ડો. સિંહનો કિસ્સો પણ રોચક છે. કોંગ્રેસના સૌથી અનુભવી નેતાઓમાંથી એક પી. નરસિમ્હા રાવ નાણાં વિભાગ ઉપરાંત બધા મુખ્ય વિભાગોમાં રહી ચૂક્યા હતા, પણ એ સમયે દેશની આર્થિક સ્થિતિ જોતાં તેમને એક `ડાયનેમિક' નાણાપ્રધાનની જરૂર હતી, જેના પર દેશના લોકો, વિરોધ પક્ષો અને આઈએમએફ તથા વર્લ્ડ બેન્ક જેવી  વિશ્વની આર્થિક સંસ્થાઓ વિશ્વાસ કરી શકે. રાવે પોતાના સલાહકાર પીસી એલેક્ઝાન્ડરને આવી કોઈ યોગ્ય વ્યક્તિ વિશે પૂછ્યું તો આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર આઈજી પટેલ અને ડો. મનમોહન સિંહનાં નામ સૂચવાયાં હતાં. પટેલ દિલ્હી જવા રાજી નહોતા જ્યારે ડો. મનમોહન સિંહ આનાકાની પછી માની ગયા હતા. 1991માં જે બજેટ ડો. મનમોહન સિંહે રજૂ કર્યું તે દેશના ઇતિહાસનું સૌથી ક્રાંતિકારી બજેટ બની ગયું અને ડો. સિંહ બની ગયા ઉદારવાદના જનક. ડો. સિંહે અર્થતંત્રની દશા અને દિશામાં જે સુધારા કર્યા, ઉદારવાદની અલખ જગાવી તે એમના પછીની સરકારોએ પણ આગળ વધારી. 2004માં આકસ્મિક રીતે વડાપ્રધાન બનેલા મનમોહન સિંહે સુધારાનો બીજો તબક્કો શરૂ કર્યો અને એ જ રાહ પર આજે દેશ દુનિયાનું પાંચમું અર્થતંત્ર બન્યો છે. તેમના આર્થિક સુધારાઓ પછી દેશના ડૂબતાં અર્થતંત્રમાં જીવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓએ ક્યારે પણ પાછળ વળીને નહોતું જોયું. તેમના દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારાની આજે પણ દુનિયામાં પ્રશંસા થાય છે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટને પણ એમને `ફાયનાન્સ ગુરુ' કહીને બિરદાવ્યા છે ! રોજગાર ગેરન્ટી યોજનાની સફળતાનું શ્રેય મનમોહન સિંહને જાય છે. તેમણે વર્ષમાં 100 દિવસનો રોજગાર અને ન્યૂનતમ દૈનિક મજૂરી 100 રૂપિયા નક્કી કરી હતી. આને ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ કહેવાય છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણનું ગઠન 2009માં મનમોહન સિંહના સમયે જ કરવામાં આવ્યું હતું. દેશની દરેક વ્યક્તિની ઓળખ અને સરકારી યોજનાઓનો લાભ તેઓ સુધી પહોંચાડવા માટે ઓળખપત્ર શરૂ કરવામાં આવ્યું હતું. આજે પણ અનેક યોજનાઓના લાભ માટે આધારકાર્ડ અનિવાર્ય બન્યું છે. આ ઉપરાંત માહિતીનો અધિકાર, શિક્ષણના અધિકારથી લઈ ખાદ્ય સુરક્ષાના અધિકાર જેવાં કાર્ય તેમના કાર્યકાળની વિરાસત છે. કોઈ સઘન રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી એવા પ્રથમ વડાપ્રધાન રહ્યા. ર004ની સામાન્ય ચૂંટણી પછી જ્યારે સોનિયા ગાંધીએ વડાપ્રધાનપદ સ્વીકારવાનો ઈન્કાર કર્યો ત્યારે તેમની સામે એક એવા નેતાને આ જવાબદારી સોંપવાનો પડકાર હતો જે ન ફક્ત આ પદને યોગ્ય હોય, પરંતુ કોંગ્રેસ મોવડીમંડળ માટે પણ કોઈ `ભય' ન હોય. પ્રણવ મુખરજી અને અર્જુનસિંહ જેવા દિગ્ગજોની દાવેદારી વચ્ચે સોનિયા ગાંધીએ મનમોહન સિંહ પર વિશ્વાસ મૂક્યો અને વડાપ્રધાન બન્યા પછી સંપૂર્ણ કાર્યકાળમાં તેમણે આ વિશ્વાસને કોઈ આંચ નહીં આવવા દીધી. આ જ કારણ છે કે, રાજકીય ઇતિહાસમાં તેમને આકસ્મિક પ્રાઈમ મિનિસ્ટરના વિશેષણથી ઓળખવામાં આવે છે. 2008 અને 2011-12ના ગંભીર વૈશ્વિક આર્થિક સંકટથી ભારતને બચાવવાની સાથોસાથ તેઓ દુનિયાના સંકટમોચન બનવાનું ઉદાહરણ હોય કે પછી બ્રિક્સ રાષ્ટ્રોમાં એક થઈ વિકાસશીલ દેશોના અવાજને શક્તિશાળી બનાવવામાં તેમનું યોગદાન, અર્થશાત્રી વડાપ્રધાન બનતાં મનમોહન રાજકારણના પડકારો અને ઊંડાણને સમજતા હતા. 2004માં કોંગ્રેસ પાસે લોકસભામાં 147 બેઠકો જ હતી અને સહયોગી પક્ષો સાથે ડાબેરી પક્ષોના બહારના સમર્થનથી તમામ દબાણો વચ્ચે યુપીએ-1 સરકારમાં દેશના આર્થિક અને સામાજિક જીવનમાં પરિવર્તન માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લેતાં તેઓ અચકાયા નહોતા. કોંગ્રેસને 2009માં સતત બીજી વખત સત્તામાં લાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. મનમોહન સિંહને તેમના રાજકીય વિરોધીઓ અનેક વેળા કઠપૂતળી અને નબળા ગણાવતા હતા, પરંતુ મૃદુભાષી અને સંયમની મર્યાદાનું અનોખું ઉદાહરણ રજૂ કરતાં તેમણે પોતાનાં કામથી આનો ઉચિત જવાબ આપ્યો હતો. આનું સૌથી મોટું ઉદાહરણ 2008માં અમેરિકાની સાથે અણુસમજૂતીનો તેમનો નિર્ણય રહ્યો, જ્યારે ડાબેરીઓનાં સમર્થન ખેંચી લેવાના ધમકી-દબાણમાં નહીં આવતાં તેમણે સમાજવાદી પક્ષનો ટેકો લઈને સરકાર બચાવી અને સંસદમાં ઐતિહાસિક અણુસમજૂતીને મંજૂરી અપાવી. તેમના બે વાક્યો આજે પણ તેમની પ્રતિભાને ઉજાગર કરે એવું યાદ આવે છે. પહેલું પૈસે પેડ પે નહીં ઊગતે અને બીજું હજાર જવાબો સે અચ્છી હૈ ખામોશી મેરી ન જાને કિતને સવાલોં કી આબરુ રખી. આ બંને વાક્યએ દેશમાં એ સમયે રાજકીય ગરમાટો આણ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.-ટુ ભ્રષ્ટાચારથી બદનામ થઇ હતી. 2014ની ચૂંટણીમાં આ મુદ્દે તેમની સરકાર હારી ગઇ, પણ તેમ છતાં દેશનો સામાન્ય માનવી આજે પણ તેમની પ્રામાણિકતા સામે સવાલ ઉઠાવતો નથી. આજે પણ દેશની જનતા તેમને પ્રામાણિક વડાપ્રધાન તરીકે જ જુવે છે. તે સમયે ભ્રષ્ટાચાર સામેની લડાઇ દરમ્યાન તેમના પર ભ્રષ્ટ આચરણનો આરોપ લાગી શક્યો નહોતો તે તેમની મોટી સિદ્ધિ હતી. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહે જ્યારે એમ કહ્યું કે, ઇતિહાસ તેમના પ્રતિ ન્યાય કરશે, ત્યારે તેમને જાણ હતી કે રાજકારણમાં તમામ સવાલોથી ઘેરાયેલા હોવા છતાં પોતાની બિનકલંકિત છબી છે. તેઓ ખંધા રાજનીતિજ્ઞની જેમ દાવપેચમાં ભલે માહેર ન રહ્યા હોય, પરંતુ તેમની સંવેદનશીલતા અને દેશના માટે મોટાં યોગદાનને વિરોધીઓ પણ સન્માનથી યાદ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd