• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

ગુજરાતથી ઉ. ભારત સુધી મોસમનો બગડયો મિજાજ

નવી દિલ્હી/અમદાવાદ, તા. 27 : ઉત્તર ભારતથી ગુજરાત સુધી મોસમના વિચિત્ર અને બેવડા મિજાજને લીધે ખેડૂતો-લોકો પરેશાન બન્યા?છે. એક તરફ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે તો બીજી તરફ દિલ્હીમાં કમોસમી વરસાદ પડયો હતો. હરિયાણાના પાંચ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ?24 કલાકમાં કરા સાથે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લામાં માવઠું વરસ્યું હતું, તો ગુજરાતમાં અમુક સ્થળે કમોસમી વરસાદ પડતાં કિસાનોની ચિંતા વધી?છે. ખેડબ્રહ્માના દામાવાસ અને ભરૂચના અમુક વિસ્તારમાં કરા પડયા હોવાના અહેવાલ છે. દિલ્હીમાં આજે અનેક સ્થળો માવઠાંથી ભીંજાયાં હતાં. આવતીકાલે પણ વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે કહ્યું કે, આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે ઝાપટાં અને તોફાની પવનની સંભાવના છે. પવનની ગતિ આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઊભરાણ, સુલપાણેશ્વર સહિતનાં ગામડાંઓમાં મોડી રાત્રે માવઠું પડયું હતું. કમોસમી વરસાદને પગલે ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની દહેશત છે. રાજ્યના સાત તાલુકામાં વહેલી સવારથી મુશ્કેલીનો વરસાદ વરસ્યો હતો. વડાલી, ઇડર, ખેડબ્રહ્મા અને હિંમતનગર, અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં માવઠું પડયું હતું. સૌથી વધુ સાબરકાંઠાના વડાલી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું. ઊભરાણ, સુલપાણેશ્વર સહિતનાં ગામડાંઓમાં મોડી રાત્રે ક્યાંક જોરદાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારની સાથે ભિલોડાના સુનોખ, વશેરા કંપામાં પણ છાંટા પડયા હતા. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં કરા પડી શકે છે. આ ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. શિયાળુ પાકનાં વાવેતર બાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક પર અસર પડી છે. રિંગણ, ટામેટાં, ફ્લાવર, કોબિજ અને વેલાવાળા શાકભાજીમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થયો છે. સાથે બાગાયતી પાકોમાં આંબાવાડીઓમાં મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવામાં ભેજ અને તાપમાન સતત નીચું જવાથી મોર પણ કાળો પડી જતાં ખરી જવાની સંભાવના વધી છે. બીજી તરફ કેળ અને શેરડી સહિતના પાકોમાં પણ નુકસાની વેઠવાનો વારો આવે એવી સ્થિતિ જોવાઈ રહી છે. ખેતી પાક બચાવવા ખેડૂતોએ કરેલા ખર્ચ માથે પડશે અને ફરી એક વખત ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડશે. જમ્મુ - કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષાને કારણે અનેક માર્ગ બંધ છે. હિમાચલમાં બે હાઈવે સહિત 24 માર્ગ પર સતત ત્રીજા દિવસે વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. નેશનલ હાઈવે નં. 305 ઉપર એક ફૂટ જેટલા બરફના થર જામી ગયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં પણ જોશીમઠ અને પિથોરાગઢમાં બરફવર્ષા બાદ નેશનલ હાઈવે અને રાજ્ય હાઈવે બંધ કરવામાં આવ્યા હતા. દેહરાદૂનમાં પણ ત્યૂની-ચક્રતા-મસુરી નેશનલ હાઈવે પણ બંધ છે. હવામાન વિભાગે અહીં આગામી બે-ત્રણ દિવસ બરફવર્ષા થવાની આગાહી કરી હતી. દિલ્હીમાં આજે સવારે ભારે વરસાદ થયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત આઠ રાજ્યમાં તોફાન-વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી અને બરફવર્ષાને કારણે અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. સોપોરના હરિતારા વિસ્તારમાં તળાવ બરફથી જામી ગયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd