અમદાવાદ, તા.
27 : છેલ્લા 34 દિવસથી ફરાર બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રાસિંહ ઝાલાની ધરપકડ
કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા તેને વિસનગરના દવાડા ગામમાંથી ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂપેન્દ્રાસિંહને લઇને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી ગઇ છે.
ત્યારે તેના રિમાન્ડમાં મોટા ખુલાસા થઇ શકે છે. અત્યાર સુધી ઝાલાને કોણે આશરો આપ્યો
હતો અને આ કૌભાંડ આચરવામાં કોનો મોટો હાથ છે તે દિશામાં તપાસનો ઘમઘમાટ થશે ત્યારે અનેક
મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની શક્યતા સેવાય છે. આજે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત
સિંહ અને તેના સીએ ઋષિત મહેતાની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા
પણ ઝડપાયો છે. સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ
કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો. તેણે ધરપકડથી બચવા
આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી. ભૂપેન્દ્રાસિંહ
ઝાલા નેપાળથી દુબઇ થઇને કેરેબિયન દેશોમાં ભાગી ગયો હોવાની આશંકા સેવાઇ હતી આથી કૌભાંડના
માસ્ટરમાઇન્ડને ઝડપી પાડવા માટે પોલીસે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવાથી લઇને ટેકનિકલ
સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. સીઆઇડી એડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું
કે કંપનીના એજન્ટોએ મુખ્યત્વે નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોને નિશાન બનાવ્યા હતા.
શરૂઆતમાં, રોકાણ પર સારું વળતર આપીને લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને પછી મોટી
રકમની ઉચાપત કરવામાં આવી હતી. એજન્ટોને 5 ટકા થી 25 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું
હતું. ભુપેન્દ્રાસિંહ ઝાલા દ્વારા (1) બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસ (2) બીઝેડ ઇન્ટરનેશનલ
બ્રોકીંગ પ્રાયવેટ લિમીટેડ (3) બીઝેડ પ્રોફીટ પ્લસ (4) બીઝેડ મલ્ટી ટ્રેડ આમ કુલ 4
કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા
રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ કર્યું હોવાની વિગત સામે આવી હતી.