• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

યુવાનોને વ્યાપારિક નેટવર્ક વૃદ્ધિ માટે અનોખી તક

ગાંધીધામ, તા. 29 : એક દાયકાથી કચ્છના ઉદ્યોગ અને પરંપરાને  નવી ઓળખ મળી છે. કચ્છ હવે માત્ર મર્યાદિત  વેપારનું કેન્દ્ર નહીં, પરંતુ ઔદ્યોગિક ઊર્જાના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભર્યું છે, ત્યારે એક-બીજાના ઔદ્યોગિક એકમોનો વ્યાપ વધારવામાં સહયોગી બનતા બી.એન.આઈ. કચ્છ શાખા દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના ઉપક્રમે રણનીતિ 3.0 પરિસંવાદનું આયોજન  કરાયું છે. આ  કાર્યક્રમ દરમ્યાન કચ્છના વ્યાપારિક વિશ્વને આગળ વધારવા માટેની તક આપવા અંગેની તકો અંગે મંથન કરાશે. બી.એન.આઈ. કચ્છના ચાર ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના બી.એન.આઈ.ના વિવિધ ચેપ્ટરના પ્રતિનિધિઓ ભાગ લેશે. સિમેન્ટ, સ્ટીલ, કેમિકલ,  ખનિજ, ટિમ્બર, ઓઈલ,  ખેતી, હસ્તકળા સહિતના ઉદ્યોગોમાં કચ્છનું નામ આજે વૈશ્વિક સ્તરે કચ્છે નામના મેળવી છે. વિશ્વના સૌથી વ્યસ્ત  બંદરો પૈકીનાં મુંદરા બંદરનાં કારણે કચ્છમાં રોકાણની હજુ વ્યાપક  તકો રહેલી છે.  વિશેષ આર્થિક ક્ષેત્રમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટેની વિશાળ તકો, પ્રવાસન હબ, રણઉત્સવ,  હસ્તકલાની બજારો અને પરંપરાગત લોકસંસ્કૃતિના માધ્યમથી કચ્છ  વિશ્વને આકર્ષિત કરે છે. બી.એન.આઈ. દ્વારા  ઔદ્યોગિક ક્ષેત્રને  વિકાસની નવી ઊંચાઈ ઉપર લઈ જવા રણનીતિ કાર્યક્રમના ત્રીજા તબક્કાનું આયોજન કરાયું છે. કચ્છમાં હોટેલ રેડિશન ખાતે આગામી  તા. 21મીએ સવારે 8.30  વાગ્યાથી કાર્યક્રમનો આરંભ થશે. આ કાર્યક્રમના માધ્યમથી કચ્છના વ્યવસાય અને સંસ્કૃતિના માધ્યમને નવી ઊર્જા મળશે. આ  અંતર્ગત પદ્મશ્રી, હીરા ઉદ્યોગના જાણીતા હરિકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક  સવજીભાઈ ધોળકિયાનું વકતવ્ય  યોજાશે. વક્તા સભ્યોને વ્યવસાયને શ્રેષ્ઠતા સુધી પહોંચાડવા બાબતે વિસ્તૃતમાં માર્ગદર્શન આપશે.  તા. 22મીએ લોજિસ્ટિક અને આયાત-નિકાસના વ્યવસાયને  નવી દિશા આપવા માટે વિશ્વ કક્ષાના મુંદરા પોર્ટની મુલાકાતનું પણ આયોજન કરાયું છે તેમજ કચ્છની સંસ્કૃતિ સાથે લોક સંગીતની રાત્રિ  અંતર્ગત કચ્છના કલાચિત્ર  અને  પારંપરિક  સંગીત કાર્યક્રમનું  પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત બિઝનેસ પ્રેઝેન્ટેશન, વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવશે. બિઝનેસ નેટવર્ક ઈન્ડિયાના  ભુજ અને ગાંધીધામમાં ચાર ચેપ્ટર કાર્યરત છે. ભુજના જેનેસીસ, ગાંધીધામના ફોર્ચ્યુન, નેપ્ચ્યુન અને ઈન્ફિસિટી ચેપ્ટરના સભ્યો આયોજનમાં સહયોગી બની  રહ્યા છે. અગાઉ ભુજ અને ગાંધીધામ ખાતે બે વખત  રણનીતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.ગાંધીધામ ખાતે બીજી વખત આ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિતના  દેશના વિવિધ શહેરોમાંથી  બી.એન.આઈ.ના વિવિધ ચેપ્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. વધુ વિગતો માટે અભિનવ જૈન-94272 19581,  મીત મોરબિયા-88666 99984,  હિતેશ ઠકક્કર- 99250 10453, જિનાલી છાડવા-94279 76468, મિલન મકવાણા-90337 91234નો સંપર્ક સાધવા જણાવાયું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang