મુંદરા, તા. 22 : ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ
-ગૌશાળાઓમાં નિભાવ થતાં અબોલ તથા નિરાધાર પશુધનનાં ભરણપોષણ માટે અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એપ્રિલથી જૂન-2025ની ત્રિમાસિક સહાય માટે કચ્છની કુલ 247 પાંજરાપોળ- ગૌશાળાનાં 1,22,774 પશુધન માટે રૂા. 33 કરોડ 51 લાખ 73 હજાર 20 (રૂા. 33,51,73,020)ની સહાય મંજૂર કરવામાં આવી
છે. તાજેતરમાં કચ્છના કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી ખાતે મળેલી
જિલ્લા સ્તરની સમિતિની બેઠક દરમ્યાન કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા મુકાયેલ દરખાસ્તોનું
મૂલ્યાંકન કરીને સહાયને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલી ત્રિમાસિક સહાયની વિગતવાર
દરખાસ્ત ગાંધીનગર સ્થિત ગૌસેવા આયોગ તથા ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપવામાં આવી
છે. જિલ્લાના અબોલ-નિરાધાર ગૌમાતાના સંરક્ષણ, પોષણ અને સંવર્ધન માટે સરકાર, વહીવટી તંત્ર અને ગૌશાળા
સંસ્થાઓ વચ્ચેના આ સમન્વય સમી મહત્ત્વની જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાન હેઠળની બેઠકમાં
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, સમિતિ સભ્ય મનોજભાઈ સોલંકી,
નાયબ પશુપાલન નિયામક (જિલ્લા પંચાયત) ડો. આર.ડી. પટેલ, નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) ડો. વી.ડી. રામાણી ઉપસ્થિત
રહ્યા હતા. કચ્છના પશુધન માટે રાજ્ય સરકારે દર્શાવેલા સકારાત્મક અભિગમ, જીવદયા અને ત્વરિત સહાય બદલ અખિલ ગૌશાળા- પાંજરાપોળ કચ્છ યુવા સંઘ તરફથી ગુજરાત
સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઇ, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીનો
આભાર વ્યક્ત કરાયો છે. વધુમાં અખિલ ગૌશાળા- પાંજરાપોળ કચ્છ યુવા સંઘ પ્રમુખ ભરતભાઈ
એસ. સોંદરવા દ્વારા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી
ઉત્સવ ગૌતમ, મનોજ સોલંકી, ડો. આર.ડી. પટેલ,
ડો. વી. ડી. રામાણીનો સહકાર બદલ આભાર વ્યક્ત કરાયો હતો.