• રવિવાર, 23 નવેમ્બર, 2025

ગુવાહાટીમાં ભારતીય બોલરોની મજબૂત વાપસી

ગુવાહાટી, તા. 22 : ગુવાહાટીના બારસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે અંતિમ સત્રમાં ભારતીય બોલરોએ મજબૂત વાપસી કરી હતી અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી ઈનિંગ્સમાં છ વિકેટે 247 રન કર્યા હતા. સેનુરન મુથુસામી 25 અને કાઈલ વેરેને એક રને દાવમાં રહ્યા હતા. કુલદીપ યાદવ 48 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. શુભમન ગિલ બહાર થતાં રિષભ પંત કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની પહેલી ઈનિંગ્સમાં શરૂઆત શાનદાર રહી હતી. ઓપનિંગ બેટસમેન એડન માર્કરમ અને રયાન રિકલ્ટને અર્ધસદીની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને બુમરાહે તોડી હતી અને માર્કરમને 38 રને બોલ્ડ કર્યો હતો. બાદમાં ચાના વિરામ પછી કુલદીપ યાદવે રિકલ્ટનને ચાલતો કર્યો હતો. તેમ્બા બાવુમા અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી, જેમાં બાવુમા 41 રન કરીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. એક તબક્કે આફ્રિકાએ બે વિકેટે 166 રન કર્યા હતા, પણ પછી બોલરોએ વાપસી કરી હતી. બાવુમા બાદ સ્ટબ્સ 49 રને આઉટ થયો હતો. સ્ટબ્સની વિકેટ કુલદીપ યાદવે લીધી હતી. કુલદીપે વિયાન મુલ્ડરને પણ ચાલતો કર્યો હતો, જેનાથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 201 રન થયો હતો. પહેલા દિવસની રમતમાં દક્ષિણ આફ્રિકાની છઠ્ઠી વિકેટ ટોની ડી જોરજીના રૂપમાં પડી હતી, જે 28ના અંગત સ્કોરે મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમે આ મુકાબલામાં પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા હતા અને દક્ષિણ આફ્રિકી ટીમે એક બદલાવ કર્યો છે. શુભમન ગિલની જગ્યાએ ટીમમાં નીતીશ રેડ્ડીને જગ્યા મળી છે, જ્યારે અક્ષર પટેલને બહાર કરીને સાઈ સુદર્શનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આફ્રિકી ટીમમાં કોર્બિન વોશની જગ્યાએ સ્પિનર સેનુરન મુથુસામીને સમાવવામાં આવ્યો છે. આમ આફ્રિકી ટીમ ત્રણ સ્પિનર્સ સાથે મેદાનમાં ઊતરી છે.  

Panchang

dd