ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના છાડવાડામાં બૃહદ
જૈન સમાજના આસ્થાના પ્રતીકસમા નમસ્કાર તીર્થમાંથી
તસ્કરો ચાંદીના કુંડલ, રોકડ
સહિત કુલ રૂા. 1.85 લાખની માલમતાની
ચોરી કરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં આસ્થાળુમાં રોષની લાગણી પ્રસરી હતી. પોલીસ
સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નમસ્કાર તીર્થ પરીસરમાં બે અજાણ્યા ચોર દેરાસરની પથ્થરની જાળી તોડી તેની સાથે
લાગેલા કાચની સ્લાઈડિંગ બારી ખોલીને અંદર પ્રવેશ્યા હતા. હરામખોરો દેરાસરના ભૂગર્ભના
નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરનાં તથા
દાનપેટીનાં તાળાં તોડીને ચોરી કરી ગયા હતા. મંદિરના મેનેજર લલનકુમાર શિવલાલ શ્રીવાસ્તવની
ફરિયાદને ટાંકીને પોલીસે ઉમેર્યું હતું કે, તસ્કરો ભગવાન તથા
દેવી-દેવતાઓને પહેરાવેલા ચાંદીના બે-સવા બે કિલોગ્રામના પાંચ મુગટ તથા કાનના છ કુંડલ કિં. રૂા. 1.70 લાખ, ઈમિટેશનના ચાર હાર કિં. રૂા. 5 હજાર,
દાનપેટીના રોકડા રૂા. 10 હજાર સાથે કુલ રૂા. 1.85 લાખની માલમતા તફડાવી ગયા હતા. સામખિયાળી-ભચાઉ ધોરીમાર્ગ ઉપર
આવેલા નમસ્કાર તીર્થમાં સી.સી.ટી.વી. કેમેરામાં
બે શખ્સ ચોરીનાં કૃત્યને અંજામ આપતા નજરે પડયા હતા. આરોપીઓએ ઓળખ છુપાવવા માટે ચહેરા
ઉપર કપડું બાંધી લીધું હતું. ચોરીનો આ બનાવ ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાથી 2.45 વાગ્યાના અરસામાં બન્યો હતો.
આ બનાવને પગલે આસ્થાળુઓમાં રોષની લાગણી પ્રવર્તતી હતી. આ ગુનાનું પગેરું મેળવવા પોલીસે
વિધિવત રીતે ગુનો નોંધીને જુદી-જુદી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.