બિદડા (તા. માંડવી), તા. 22 : સ્વચ્છતા
અંગે જ્યારે વડાપ્રધાન દ્વારા અપીલ બાદ સફાઇ અભિયાન ચાલે છે. ગુજરાતના અનેક શહેરોમાં
સ્વચ્છતા અંગે સેમિનાર યોજવામાં આવતા હોય છે. કચ્છમાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા
દરેક ગ્રામ પંચાયત કચેરીની સફાઇ તેમજ આરોગ્યને પ્રાથમિક ધ્યાન આપવામાં આવતું હોય છે, પરંતુ જિલ્લા પંચાયતમાં સૂચના બોર્ડ,
દીવાલો કે અધિકારીઓની ચેમ્બરની આસપાસ જ ગંદકી અને પાન-ગુટકાની પીચકારી
જોવા મળતી હોય છે તેવી ફરિયાદ ઊઠી છે. બિદડા ગામે ગંદકી બાબતેની ફરિયાદ જિલ્લા પંચાયતના
આરોગ્ય અધિકારીને અરજી મૂકવામાં આવી હતી, પરંતુ જ્યારે ખુદ આરોગ્ય
અધિકારની ચેમ્બર પાસે સફાઇનો અભાવ હોય તો અન્ય જગ્યાએ સફાઇ જોવા મળે તે જરૂરી નથી.
ધૂમ્રપાન પ્રતિબંધ કાયદાના નિયમનો ભંગ થતો જોવા મળે છે, તો સફાઇ
અભિયાન તેમજ આરોગ્ય સેવાઓ માત્ર વાયદા સુધી જ સીમિત રહેતી હોય, તેવું ફરિયાદમાં જણાવાયું છે. અસ્વચ્છતાનાં કારણે અરજદારો, નાગરિકો અને સ્ટાફના સ્વાસ્થ્યને જોખમમાં મુકાય છે. આ બાબતે તંત્ર દ્વારા જરૂરી
પગલાં લેવાય, જેથી પંચાયતમાં આવતા અરજદારોના આરોગ્યને નુકસાન
ન થાય તેવું લોકો કહી રહ્યા છે, તેમ બિદડાના નવીન આર. નાકરાણીએ
યાદીમાં જણાવ્યું હતું.