ગાંધીધામ, તા. 22 : રાપર તાલુકાના બાદરગઢમાં ગાંજાના
છોડનું વાવેતર કરનારા શખ્સની રાપર પોલીસે ધરપકડ કરી રૂા. 2.69 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે લીધો હતો. બાદરગઢ ગામમાં રહેતા આરોપી ભરત રામજી કોળીએ
પોતાના ઘરની આગળ આવેલી જગ્યામાં માદક પદાર્થ ગાંજાનો છોડ વાવ્યો હોવાની પૂર્વ બાતમી આધારે રાપર પોલીસે અહીં છાનબિન હાથ ધરી હતી. દરમ્યાન
અહીં ગાંજાનો છોડ મળી આવ્યો હતો. પોલીસે આ આરોપી ભરત કોળીની ધરપકડ કરીને માદક પદાર્થ
ગાંજાનો 5.398 કિ.ગ્રા.નો જથ્થો અંકે કર્યો
હતો, જેની કિંમત રૂા. 2,69,900 આંકવામાં આવી હતી. પૂર્વ કચ્છ
પોલીસ દ્વારા `નો ડ્રગ્સ' અંગે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ આરંભાઈ છે. આ
અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે માદક
પદાર્થનો જથ્થો પકડી આરોપીઓની ધરપકડ કરવામાં
આવી છે. માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલા આરોપી સામે રાપર પોલીસે એન.ડી.પી.એસ. કાયદાના તળે ગુનો નોંધીને
વધુ તપાસ આરંભી છે. આ કાર્યવાહીમાં રાપર પી.આઈ. બી.જી. ડાંગર, પી.એસ.આઈ. આર.આર. અમલિયારા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.