ભુજ, તા. 22 : ખાદ્ય વાનગી સાથે વિસ્ફોટક
પદાર્થ નાખી અબોલ જીવોને હણવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આવી જ પેરવીમાં નીકળેલા
ત્રણ શખ્સને ઢોરો પાસે બોલેરોમાંથી 55 વિસ્ફોટક ગોળા સાથે હાજીપીર પોલીસે ઝડપી પાડયા છે. કચ્છમાં કેન્દ્રીય
ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત બાદ હવે મુખ્યમંત્રી પણ આવવાના છે, ત્યારે પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી છે. હાજીપીર
પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હાજીપીરથી ઢોરો જતા માર્ગે બોલેરો
પીકઅપ નં. જીજે-12-સીટી-0586વાળી શંકાસ્પદ જણાતા તેને રોકી
તલાસી લેતાં ઘઉંના લોટથી કવર કરેલા વિસ્ફોટક ગોળા 55 જેની કિં. રૂા. 5500 મળી આવ્યા હતા. આ ઉપરાંત એક લોખંડનો કોયતો તથા બે છરી મળી હતી.
આ વિસ્ફોટકો અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે પ્રકાશ હીરાભાઈ સથવારા, હીરા કાનજી દાતણિયા (રહે. બંને હેમલાઈ ફળીયું,
અંજાર), રાજુ વેલજી દાતણિયા (રહે. સતાપર,
તા. અંજાર)ને ઝડપી વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આ
કામગીરીમાં પીએસઆઈ વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજા,
હે.કો. કિરણકુમાર નાયી, દિનેશ ચૌધરી, કોન્સ. પિન્ટુભાઈ ખરાડી, એલ.આર.પી.સી. વિજયભાઈ ચાવડા,
ચત્રસિંહ સોઢા જોડાયા હતા.