• રવિવાર, 23 નવેમ્બર, 2025

હેડની તોફાની સદી : બીજા જ દિવસે ઈંગ્લેન્ડની હાર

નવી દિલ્હી, તા. 22 :  એશિઝ શ્રેણીની પહેલી  ટેસ્ટમાં બીજા જ દિવસે ટ્રેવિસ હેડની અફલાતૂન અને ઝંઝાવાતી સદી થકી ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે યાદગાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડે 205 રનનું લક્ષ્ય યજમાન ઓસ્ટ્રેલિયા સામે રાખ્યું હતું. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બોલરોને મદદ કરતી પીચ પર ટ્રેવિસ હેડના 83 દડામાં તોફાની 123 રનના બળે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ હવે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. હેડે 69 બોલમાં સદી કરી હતી. જે એશિઝના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે. હેડે 16 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. હેડે પહેલા વેદરલેન્ડ સાથે 75 રનની ભાગીદારી કરી હતી. બાદમાં લાબુશેન સાથે 117 રનની ભાગીદારી કરી હતી. 205 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઉતરી, ત્યારે લક્ષ્ય મુશ્કેલ હોવાની ચર્ચા હતી. જો કે, ટ્રેવિસ હેડે પહેલા બોલથી આક્રમણ શરૂ કર્યું હતું. હેડ 123 રને આઉટ થયા બાદ લાબુશેને મોરચો સંભાળ્યો હતો. તેણે 51 રનની નોટઆઉટ ઈનિંગ્સ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી દીધી હતી. મુકાબલામાં પહેલાં બેટિંગ કરવા ઈંગ્લેન્ડની ટીમ ઉતરી હતી. જો કે, 172 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગ્સમાં 132માં સમેટાઈ જતાં મેચ રોમાંચક બની હતી, જેમાં બેન સ્ટોક્સે પાંચ વિકેટ લીધી હતી અને ઈંગ્લેન્ડને બઢત પણ અપાવી હતી, જ્યારે ઈંગ્લેન્ડ પોતાની બીજી ઈનિંગમાં માત્ર 164 રન જ કરી શકતા ઓસ્ટ્રેલિયાને જીત માટે 205 રનનું લક્ષ્ય મળ્યું હતું. આ મેચમાં મિચેલ સ્ટાર્કે કુલ 10 વિકેટ લીધી હતી. 

Panchang

dd