ભુજ, તા. 22 : લખપત તાલુકાના કોરિયાણીથી વન
વિભાગે શિકાર પ્રવૃત્તિ ઝડપી પાડી છે. ત્રણ શિકારીને પકડી કાયદેસરની કાર્યવાહી કરાઇ
હતી. કચ્છમાં અબોલ જીવોને હણવાની શિકારી પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી છે. છાશવારે
વન વિભાગ અને પોલીસ દ્વારા આવા શિકારીઓને ઝડપી
પાડવાનાય બનાવ સામે આવી ચૂકયા છે, પરંતુ
આ પ્રવૃત્તિ હજુએ ચાલી રહી છે. આ વચ્ચે ગઇકાલે કોરિયાણીથી શિકાર પ્રવૃત્તિ ઝડપાઇ છે.આ
અંગે દયાપર ઉત્તર વન્ય પ્રાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ જાહેર કરેલી વિગતો મુજબ
કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક તથા કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકની સૂચના
અને માર્ગદર્શન હેઠળ વનના ગુના તથા શિકાર પ્રવૃત્તિ અટકાવાના અનુસંધાને તા. 21-11ના દયાપર ઉત્તર રેન્જ નારાયણ
સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલિંગ સમયે કોરિયાણી ગામથી વન્ય પ્રાણી સસલુ નંગ-1ના શિકાર તથા સાંઢા નંગ-6ને નુકસાન કરવા બાબત કોલી હિરજી ખમીશા
(કોરિયાણી), કોલી કિશોર ઉમરશી (સુખપર
તા. નખત્રાણા) અને કોલી ગુલાબ બાબુલાલ (લુડવા તા. માંડવી)ની અટક કરવામાં આવી હતી. આ
શિકાર પ્રવૃત્તિના આરોપીઓ પાસેથી સસલું (મૃત) નંગ-1, છ સાંઢા, બે મોટરસાઇકલ, એક હાથ
બેટરી, ત્રણ મોબાઇલ કબજે લઇ વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો
તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં દયાપર ઉત્તર રેન્જના
ફોરેસ્ટ ઓફિસર પી.જે. આશરા, ઇન્ચાર્જ વનપાલ ડી.આર. જોશી અને વન
રક્ષક એમ. જે. ભીલ જોડાયા હતા.