• શનિવાર, 22 નવેમ્બર, 2025

કચ્છની સીમાએથી ગૃહમંત્રી અમિત શાહનો ધ્રુજારો

તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ : 1965માં પહેલી ડિસેમ્બરે અસ્તિત્વમાં આવેલું સીમા સુરક્ષા દળ તેનો સ્થાપનાદિવસ દર વર્ષે ઊજવે છે. ઈતિહાસમાં પહેલીવાર આ વખતે તેની માટે દેશની પશ્ચિમે સીમાવર્તી કચ્છ જિલ્લાની પસંદગી થઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપસ્થિત રહેતાં ખાસ સંદેશ આપ્યો છે. પહેલી મહત્ત્વની વાત એ છે કે, આ અર્ધલશ્કરી દળની રચના પાછળ 1965નાં યુદ્ધમાં કચ્છ સીમાએ ઊભા થયેલા સુરક્ષાના પરિમાણની અનિવાર્યતા હતી એટલે હીરક જયંતી જેવા અગત્યના પડાવ પર કચ્છ ભૂમિ નૈસર્ગિક પસંદગી કહી શકાય. બીજું એ કે, તાજેતરનાં ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની સેના-વાયુદળે પ્રહાર કર્યા એ પછી રઘવાયાં પાકિસ્તાને કચ્છ સીમાએ પણ ડ્રોન-રોકેટમારો જ કર્યો હતો. સદ્નસીબે આપણા સજાગ દળોએ એ દુષ્પ્રયાસ વિફળ બનાવીને પાકને તેની ઔકાત બતાવી આપી હતી. બીએસએફના સંકુલમાં હજારોની મેદની વચ્ચે દેશભરમાંથી આવેલા વિવિધ બટાલિયનની ટુકડીઓની માર્ચપાસ્ટ અને શૌર્યભર્યા સાહસિક કરતબે સીમા સુરક્ષા દળની વધતી ક્ષમતા અને દક્ષતાનું પ્રમાણ આપ્યું. એ સાથે ગૃહમંત્રીએ સીમાપાર આકરો સંદેશ આપતાં કહ્યું છે કે, શત્રુઓના કોઈ પણ દુ:સાહસને ભરી પીવા આપણી જાંબાઝ ફોજ તૈયાર છે. રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષ્યથી કચ્છ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. છેલ્લા છ મહિનામાં રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી મોદી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહનું આગમન તથા રાત્રિરોકાણ આ વાતનું પ્રમાણ છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી સશત્ર દળોની માવજત લેવામાં આવી રહી ને `મેક ઈન ઈન્ડિયા' મંત્રને ફળિભૂત કરતા શત્ર-સરંજામમાં વિદેશ પરની નિર્ભરતા ઘટાડવામાં આવી રહી છે. શુક્રવારે માર્ચપાસ્ટ પછીના શૌર્ય પ્રદર્શન સાથે આધુનિક ટેક્નોલોજીનુંય ભવ્ય નિદર્શન કરવામાં આવ્યું હતું. ઘૂસણખોર ડ્રોન નિષ્ફળ બનાવતા જામરથી લઈને તોપ સહિતનાં સાધનો પર `ભારતમાં નિર્મિત'નો થપ્પો લાગવો રાષ્ટ્ર માટે ગૌરવની ઘટના છે. શ્રી શાહે તેમના મુદ્દાસરના પ્રવચનમાં આ જ વાત પર ભાર મૂક્યો છે કે, આવતાં એક વર્ષમાં બીએસએફના જવાનો તેમના પરિવારોના ક્ષમતા વર્ધન-કલ્યાણ પર વિશેષ ધ્યાન દેવાશે. આગામી પાંચ વર્ષમાં બીએસએફને દુનિયાનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવાનું એલાન ભારતના દૃઢ મિજાજનું પ્રતીક છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશભરમાં ક્રાંતિમંચ દ્વારા લાગુ એસઆઈઆર મતદારયાદીના શુદ્ધીકરણની પ્રક્રિયા સામે વિપક્ષ શાસિત તામિલનાડુ, પ. બંગાળમાં રાજકીય વિરોધ કરનારાઓને સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે, ગેરકાયદે ઘૂસણખોરી કરનારની સરકારની પસંદગી પ્રક્રિયામાં હિસ્સેદારી અસ્વીકાર્ય છે. સીમા સુરક્ષા દળ શૌર્યતાનો ભવ્ય ઈતિહાસ ધરાવે છે. કચ્છમાં રાષ્ટ્રીય સ્તરના હીરક જયંતીનાં વ્યાપક-સફળતાપૂર્વક આયોજન પ્રશંસાને પાત્ર છે. વિશેષ વાત એ રહી કે, આ કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોને જોડવામાં આવ્યા. શાંતિ કાજે સરહદી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષજી સમજ વધારવી જરૂરી છે. સીમા દળે કચ્છમાં જનકલ્યાણનાં કાર્યો  દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો છે. સંરક્ષણ આક્રમક પદ્ધતિ આધુનિક યુગમાં બદલાઈ ચૂકી છે, ત્યારે બીએસએફનું વધુ ઝડપભેર આધુનિકીકરણ થવું જોઈએ. ગૃહમંત્રીની કચ્છ મુલાકાત એ દિશામાં ચાવીરૂપ પુરવાર થશે. સીમા દળના હજારો જવાનો તેમના પરિવારજનોને સ્થાપના દિવસ ઉજવણીના અભિનંદન. ગૃહમંત્રીએ કહ્યું તેમ કચ્છ અને અહીંના ખુમારીવાળા લોકોએ હંમેશાં સુરક્ષા દળોને સાથ આપ્યો છે... સલામ સીમા પ્રહરીઓને.  

Panchang

dd