• રવિવાર, 23 નવેમ્બર, 2025

અપ્રમાણસર મિલકત રાખવાના મામલે અંજારના પૂર્વ આર.એફ.ઓ. સામે ફોજદારી

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છ એ.સી.બી. પોલીસે  અંજારના રેન્જ ફોસ્ટર ઓફિસરને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડયા હતા. ત્યારબાદ તપાસ દરમ્યાન આ અધિકારી  પાસે અપ્રમાણસર મિલકત  મુદ્દે પોલીસે વધુ એક ગુનો નોંધ્યો હતો.લાંચ રુશવત વિરોધી બ્યૂરો (એ.સી.બી.)એ  વર્ષ 2023માં ગાંધીધામના લાકડાના વેપારીના ગોડાઉનમાં મંજૂરી વગરનું મટીરીયલ રાખી તેનો વેપાર કરતા હોવાના મામલે એક લાખની લાંચ લેવાના મુદ્દે  આરોપી જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાળા (રેન્જ ફોરેસ્ટ ઓફિસ, વન વિભાગ, વર્ગ-2) અને વચેટિયા ધવલ પ્રજાપતિને  ઝડપી પાડયા હતા. આ કાર્યવાહી બાદ ફરજમોકૂફ આ અધિકારીની દાહોદ બદલી કરી દેવાઈ હતી. લાંચ લેવાનાં પ્રકરણમાં   ચાલી રહેલી તપાસ દરમ્યાન   આ આરોપીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં આરોપીએ પોતાની સરકારી ફરજ દરમ્યાન  ગેરકાયદેસર રીત-રસમો અપનાવીને 100.70 ટકા વધુ અપ્રમાણસર મિલકતો પોતાના તથા પોતાના આશ્રિતોનાં નામે વસાવેલી હોવાનું પ્રથમ દૃષ્ટિએ સપાટી ઉપર આવ્યું હતું. આવક કરતા વધુ સંપત્તિ વસાવી હોવાના મામલે પૂર્વ કચ્છ એ.સી.બી.એ આ અધિકારી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધીને વધુ છાનબિન આરંભી છે.  આ અંગે તપાસ અધિકારી પૂર્વ કચ્છ એ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એલ.એસ. ચૌધરીએ કરી હતી તેમજ ગુનાની ઈન્ક્વાયરી અને તપાસના સુપરવાઈઝર અધિકારી તરીકે  મદદનીશ નિયામક એસ.સી.બી. બોર્ડર રેન્જ ભુજના  કે.એચ. ગોહિલ રહ્યા હતા. સમગ્ર  મામલાની વધુ તપાસ પાટણ એસ.સી.બી. પી.આઈ એમ.જે. ચૌધરી ચલાવી રહ્યા છે. કોઈ પણ સરકારી અધિકારી અથવા કર્મચારી  સરકારી કામ માટે લાંચની માગણી કરે તો એ.સી.બી.ના ટોલ ફ્રી નં. 1064, 02836-227500 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે, પૂર્વ કચ્છ  એ.સી.બી. પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે, તો અનેક સરકારી કર્ચચારીઓની  પાસે અપ્રમાણસર મિલકત સપાટી ઉપર આવી શકે તેમ છે, તેવો ગણગણાટ નાગરિકોમાં સાંભળવા મળ્યો હતો. 

Panchang

dd