• રવિવાર, 23 નવેમ્બર, 2025

નલિયામાં પાણી વિતરણ વ્યવસ્થા ખાડે જતાં રોષ

નલિયા, તા. 22 : અબડાસા તા.ના મુખ્ય મથક નલિયામાં છેલ્લા લાંબા સમયથી પાણીની સમસ્યા વિકટ બની છે. ખાસ કરીને એકતા નગર અને સૂર્યવંશી સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા છ માસથી પાણીનું વિતરણ અનિયમિત બનતા  રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ ગ્રામ પંચાયત અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.  નલિયાના વિવિધ વિસ્તારોમાં  પાણીની રામાયણ સર્જાઈ છે. એકતા નગર અને સૂર્યવંશી સોસાયટી જેવી વસાહતોમાં નિયમિત પાણી ન મળતાં ગૃહિણીઓની ધીરજ ખૂટી હતી. આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈને પ્રથમ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ મામલે ગંભીરતા દાખવી તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે સરપંચને પાણી પ્રશ્ન ઉકેલવા સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નલિયામાં પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી. જાણવા મળતી વિગતો મુજબ, પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમયસર સાધન-સામગ્રી પૂરી પડાતી નથી. અવારનવાર પાણી ખેંચવાની મોટરો બળી જવાના બનાવો બને છે, પરંતુ તેના રિપેરિંગ કે નવી મોટરો માટેના સાધનો સમયસર ન મળતાં હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. સ્થાનિકોની માંગ છે કે, પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાને બદલે કાયમી ઉકેલ લાવે અને નલિયામાં નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. 

Panchang

dd