• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પીઢ નોબતવાદક અલીભાઇ ધાફરાનીનું નિધન : સંગીત જગતમાં શોક

ભુજ, તા. 1 : રાજાશાહી વખતથી નોબતવાદનના પીઢ કલાકાર અલીભાઇ ધાફરાનીનું આજે 95 વર્ષની વયે અવસાન થતાં સંગીતજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અલીભાઇએ 12 વર્ષની  કિશોરાવસ્થામાં સૌપ્રથમ ભુજમાં મીઠુ ઉસ્તાદ સાથે શ્રાવણ મહિનામાં હાટકેશ્વર મંદિરથી નોબત વગાડવાની શરૂઆત કરી હતી. ઉપરાંત ભુજ સ્થિત દ્વારકાધીશ અને સ્વામિનારાયણ મંદિરમાં પણ તેમણે નોબતવાદન કર્યું હતું. યુવાનવયે અલીભાઇએ સિટીસર્વેમાં સરકારી નોકરી મેળવતાં ભુજ છોડયું, પરંતુ નિયતિનો સાથ મળવાનાં કારણે 1959માં ફરી ભુજ આવ્યા. ત્યારથી તેમની અવિરત સંગીત યાત્રા શરૂ થઇ હતી જે મૃત્યુપર્યંત ચાલુ હતી. ભુજની પ્રાચીન અને પરંપરાગત હાંડલા ગરબીમાં અલીભાઇએ 1960થી નોબતના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા. 1960માં હાંડલાના આયોજક સાથે વાત થયા બાદ શરણાઇમાં ઓસુ ઉસ્તાદ તથા પગપેટીમાં કાકુભાઇ મુંબઇવાળા સાથે શરૂઆત કરી હતી. સતત 47 વર્ષ સુધી અલીભાઇએ હાંડલા ગરબીમાં સેવા આપી. હાંડલાનું નામ પડતાં જ સફેદ દૂધ જેવા ઝભ્ભો-પાયજામો ધારણ કરેલા અને હોઠમાં સિગારેટ સાથે ભુજવાસીઓને અલીભાઇ ધાફરાનીનો ચહેરો યાદ આવ્યા વિના ન રહે. ઉલ્લેખનીય છે કે, અલીમામદભાઇના નિવૃત્તિ સમયે હાંડલા ગરબી મિત્રમંડળે તેમની લાંબી સેવાઓની નોંધ લેતાં ભવ્ય વિદાયમાન સાથે રોકડ પુરસ્કાર વડે સન્માનિત કર્યા હતા. ભૂતકાળમાં અદ્યતન સાઉન્ડ તથા સંગીત ક્લાસના અભાવ વચ્ચે પણ અલીભાઇએ પોતાની નોબત વડે મીઠાશ ટકાવી રાખી હતી. આવા પીઢ કલાકારનું નવરાત્રિના આગમન પહેલાં જ નિધન થતાં કલાકારોમાં શોક વર્તાયો છે. કોઇપણ જાતની અપેક્ષા વિના 46 વર્ષ સુધી આપેલી સેવાને યાદ કરી હાંડલા ગરબી મંડળ દ્વારા શોકસભામાં શ્રદ્ધાસુમન અર્પાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang