• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

નાના કપાયામાં સીસીરોડનું ખાતમુહૂર્ત

મુંદરા, તા. 22 : અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાનાં નાના કપાયા ગામમાં સીસીરોડનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ રોડનાં નિર્માણથી ગામની અંદરની અવરજવર વધુ સરળ બનશે.  કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહનું સન્માન નાના કપાયા-બોરાણા જૂથ પંચાયતના સરપંચ જખુભાઇ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે, નાના કપાયા ગામ એ અમારાં હૃદયની સૌથી નજીક છે. આ ગામને મોડલ ગામ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું. ગામના અગ્રણી નાગશીભાઈ ગઢવીએ આ કાર્યને ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી ગણાવ્યું હતું તેમજ અત્યાર સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાયેલાં વિવિધ કાર્યો માટે ગ્રામજનો અને પંચાયત તરફથી પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ગામનાં ઉપસરપંચ પ્રફુલ્લાબા ઝાલા, મુંદરા તા. પં. સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન ગીતાબેન સોધમ, કપાયા મહેશ્વરી સમાજના પ્રમુખ સામજી સોધમ, ગઢવી સમાજના પ્રમુખ રામ ગઢવી, ગ્રામ પંચાયત સભ્ય શકુર સુમરા, અદાણી ફાઉન્ડેશન મુંદરા સી.એસ.આર. હેડ કિશોર ચાવડા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નાના કપાયા વાડી વિસ્તારના આચાર્ય અર્જુનભાઈએ કર્યું હતું અને આભારવિધિ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ કરસન ગઢવીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અદાણી ફાઉન્ડેશન ગામોના વિકાસમાં હંમેશાં સાથે રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં વિવિધ કાર્યો દ્વારા લોકોનાં જીવનને વધુ સારું બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. 

Panchang

dd