• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ટેક્નોલોજીના વિસ્તાર વચ્ચે આગામી સમય ખેતી અને ખેડૂતોનો જ રહેશે

ગાંધીધામ, તા.22 : નાબાર્ડ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે  કચ્છમાં ઉદ્યોગ અને પોર્ટ આધારિત જિલ્લામાં  નાબાર્ડની વિવિધ વિકાસલક્ષી, ખેડૂતકેન્દ્રિત તથા ટકાઉ નાણાકીય યોજનાઓ અંગે ઉદ્યોગકારો, એમ.એસ.એમ.ઈ. એકમો, સહકાર સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ અને વેપારીઓ માટે માર્ગદર્શન  કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે સ્વાગત ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, નાબાર્ડ માત્ર વિકાસ નાણાકીય સંસ્થા નહીં, પરંતુ દેશના  ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ, સહકારી ક્ષેત્ર, એમએસએમઈ  તથા ગ્રીન તથા ક્લાઈમેટ ફાઈનાન્સ ક્ષેત્રે દેશને નવી દિશા આપતી સંસ્થા છે. વિકસિત ભારત 2047ના  રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા નાબાર્ડની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.  ઉદ્યોગપ્રધાન કચ્છ જિલ્લામાં  નાબાર્ડ  સાથેનો સીધો સંવાદ ઉદ્યોગ જગત  માટે માર્ગદર્શક  અને પ્રેરણાદાયક સાબિત થશે. નાબાર્ડના ચીફ મેનેજર  ભૂપેશકુમાર સિંઘલે કહ્યું હતું કે, ટેક્નોલોજીનો ભલે ગમે તેટલો વિસ્તાર થયો, પંરતુ આગામી સમય  ખેતી અને ખેડૂતો જ  રહેશે. ફૂડ પ્રોસેસિંગ,એગ્રી વેલ્યૂ ચેન, કૃષિ  આધારિત ઉદ્યોગોમાં કચ્છ માટે  વિશાળ તક છે. નાબાર્ડ ગ્રીન લેન્ડિંગ ફેસિલિટી દ્વારા  ઊર્જા  કાર્યક્ષમતા, નવીનીકરણીય ઊર્જા, પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજીમાં રોકાણની  શક્યતા, નાબાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આસિસ્ટન્ટસ દ્વારા લાંબા ગાળાના આધારિત માળખાકીય પ્રકલ્પો માટેની ઉપલબ્ધ નાણાકીય સહાય સહિતના મુદ્દે તેમણે માર્ગદર્શન આપ્યુ હતું. અતિથિ વિશેષ સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરી હંમેશાં કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કર્યું છે. નાબાર્ડના સહયોગથી ગ્રીન ફાઈનાન્સ, ક્ષમતાવર્ધન  તથા સહકારી મંડળીઓ માટે યોજનાઓ ભવિષ્યમાં પણ સક્રિય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે.  જિલ્લા વિકાસ મેનેજર નીરજકુમારસિંહે  કાર્યક્રમનો હેતુ, નાબાર્ડની કામગીરી ઉપર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતું કે, નાબાર્ડની યોજનાઓ માત્ર નાણાકીય સહાય પૂરતી જ સીમિત નથી, પરંતુ ક્ષમતાવર્ધન, તાલીમ, સંસ્થાગત  વિકાસ, ટકાઉ મોકેલ તૈયાર કરવા કેન્દ્રિત  છે. નાબાર્ડની યોજનાઓ થકી વિવિધ ક્ષેત્રોને લાભ મળશે. અહીં કૃષિ, એગ્રી-પ્રોસેસિંગ, લોજિસ્ટિક્સ તથા પોર્ટ આધારિત ઉદ્યોગ અને ગ્રીન એનર્જીમાં નાબાર્ડની સહાયથી વિશાળ સંભાવનાઓ સર્જી શકાશે. કાર્યક્રમનું સંચાલન કરતા ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ  કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરની સંસ્થાના સાથે યોજાયેલા કાર્યક્રમ થકી ઉદ્યોગકારોને ખેડૂતલક્ષી યોજનાઓ, એમ.એસ.એમ.ઈ. ફાઈનાન્સ, ક્લાઈમેટ ચેન્જ સામેની તૈયારીઓ અને ઈ-વ્હીકલ્સ જેવા ભવિષ્યના વિષયો ઉપર માર્ગદર્શન આપવા માટે ચેમ્બર પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખ, સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, કમલેશ રામચંદાણી, યૂથ વિંગના  કો-કન્વીનર નીલેશ અગ્રવાલ, મિહિર કાનગડ, સી.એ.  એસો.ના ચેરમેન મહેશ લીંબાણી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Panchang

dd