• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મોટા ભાડિયા ગામે ગોવર્ધન નંદીશાળા બનશે : નવ લાખનું દાન જાહેર કરાયું

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 22 :  વર્તમાન સમયે નંદીની ઉપયોગિતા ખેતી ક્ષેત્રે સાવ ઘટી ગઈ હોવાથી આજે જ્યાં જુઓ ત્યાં નંદી બેહાલ રીતે રખડી રહ્યા છે. મોટા ભાડિયા પંથકના બે - ચાર ગામોમાં રખડતા નંદી અને તેમની થતી હાલત જોઈને આ ગામના સામાજિક અગ્રણી રાણસીભાઈ જેઠાભાઈ ગઢવીને નંદીઓ પ્રત્યે અનુકંપા જાગતા તેમણે નંદીઓની સંભાળ લેવા નંદી બચાવો અભિયાન પ્રારંભ કરવાનો વિચાર વહેતો મૂક્યો હતો. આ વિચારને વેગ મળતા આગામી તારીખ 24મી શનિવારના  આ ગામે ગોવર્ધન નંદીશાળાનો પ્રારંભ કરાશે. નંદીઓની સારી સેવા સુશ્રુષા થઈ શકે તેવા સુભાષય સાથે પ્રજામાં જાગૃતિ લાવવાના ઉદેશથી ગામમાં એક સમારોહનું આયોજન કરાયું હતું, જેને સંબોધતા એકલધામના મહંત યોગી દેવનાથબાપુએ જણાવ્યું હતું કે, નંદી તો ભગવાન શંકરનું ગણ છે અને સનાતન ધર્મ માટે અગત્યનું અંગ છે, પણ વર્તમાનની નંદીની  બિનઉપયોગિતા અને ભૌતિકવાદમાં રાચતો માનવ સમાજ નંદીઓની અમુક જગ્યાએ ઉપેક્ષા કરી રહ્યો છે, જે બાબત સનાતન ધર્મથી વિમુખ છે. આ ગામના કશ્યપ શાસ્ત્રીએ શુભાષયને સમાવતા આ પ્રકલ્પની આ વિસ્તારમાં ખાસ જરૂરિયાત હોવાનું જણાવી રાણસીભાઈએ કરેલા પ્રયાસોની સરાહના કરતાં ઉમેર્યું હતું કે, ગામના તમામ લોકો સેવાના આ પ્રકલ્પમાં પોતાનું મહામૂલું યોગદાન આપે અને પોતાની જવાબદારી સમજી સેવાભાવે આગળ આવે. ગામના જ ભીમસેન શાસ્ત્રીએ કહ્યું હતું કે, સહિયારા પ્રયાસોથી સેવાની આ સુગંધ વધુ દીપી ઉઠશે.  નંદીશાળા પ્રારંભ પહેલાં જ નવ લાખનું દાન દાતાઓ દ્વારા અપાયું હતું. નંદીઓને છ મહિના નીરણ ચાલે તે માટે મોમાયાભાઈ ધાનાભા ગઢવી (જામજોધપુર) અને રાણસીભાઇ જેઠાભાઈ ગઢવી (મોટાભાડીયા) તરફથી જાહેરાત કરાઇ હતી. મોટા ભાડિયા ગામમાં રખડતા રજડતા તમામ નંદીઓને આ ગૌશાળામાં નિ:શુલ્ક આશરો આપવામાં આવશે. ઉપરાંત નજીકના ગામ નાના ભાડિયા, ત્રગડી અને શેખાઇબાગ વિસ્તારના નંદીઓને ગામ લોકોની આર્થિક સહભાગીતાથી પ્રવેશ આપાવામાં આવશે. આ અંગે વધુ સંપર્ક કરવા માટે રાણસીભાઈ ગઢવી મો.નં. 9879051527  ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. નંદી શાળાના વિચારને પંથકમાં સેવાર્થે કાર્યરત ભૃગુ આશ્રમ ધ્રબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટ અને રાવળપીર દાદા મંદિર વિકાસ ટ્રસ્ટ તરફથી પણ સહકારની ભાવના પ્રદર્શિત કરાઈ હતી. સમારોહમાં ભજનીક હરિભાઈ ગઢવી, મોટા ભાડિયાના માજી સરપંચો પુનસી ખેતશી ગઢવી, નાગસી પુનસી ગઢવી, અગ્રણીઓ મંગાભાઈ મુરજીભાઈ, પ્રભુભાઈ રામભાઈ ગઢવી, મેઘરાજ ડોસાભાઇ ગઢવી, ધબુડી તીર્થધામના ઉપપ્રમુખ મણીલાલભાઈ અમૃતિયા, ટ્રસ્ટીઓ નટુભા જાડેજા, રામજી મૂળજી નાકર, ભરતાસિંહ જાડેજા, પચાણભાઈ સંઘાર સહિતનાઓ ઉપરાંત અને  ભાવિક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.  

Panchang

dd