• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

માતાના મઢમાં યાત્રિકોનો પ્રવાહ અવિરત

માતાના મઢ, તા. 30 : શ્રાદ્ધ પક્ષની તેરસના દિવસે હજારો પદયાત્રી, માઇભક્તોએ મા આશાપુરાજીનાં ચરણોમાં શીશ નમાવી મનોકામના કરી હતી. પદયાત્રિકોનો પ્રવાહ અવિરત માતાના મઢ તરફ?હોવાથી રસ્તાઓ પદયાત્રીઓથી ભરાઇ ચૂક્યા છે. સુરત, વલસાડ, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરો, ગામડાંઓમાંથી હજારોની સંખ્યામાં કચ્છમાં સૂરજબારી થઇ માતાના મઢ તરફ આવી રહ્યા છે. ગરમી-વરસાદની આગાહી વચ્ચે પણ પદયાત્રિકોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસે આજે મંદિર પરિસર સહિત આખાં ગામમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. એસ.ટી. ડેપો આજથી શરૂ થતાં પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 50 હજારથી વધુ પદયાત્રી માતાજીનાં દર્શને આવી ચૂક્યા છે. તમામ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. બીજીબાજુ તા. 4ના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ માતાના મઢ દર્શને આવશે તેવા સમાચાર મળ્યા હતા. માતાના મઢમાં હેલીપેડ બનાવવા, સ્થળનું નિરીક્ષણ અધિકારી દ્વારા કરાયું હતું. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા માતાજીનાં મંદિર તેમજ પરિસરને એલ.ઇ.ડી. લાઇટિંગથી સુશોભિત કરાયાં છે. મંદિરના ભૂવા ટિલાટ પરિવાર દ્વારા દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે તે માટે આયોજન કરાયું છે. તમામ તૈયારીઓ સાથે ભક્તોને આવકારવા માતાના મઢ આસ્થાભેર સજ્જ થઇ ચૂક્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang