ભુજ, તા. 16
: નમો ભારત રેપિડ રેલ થકી કચ્છના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે, તેવો વિશ્વાસ દેશની સૌ પ્રથમ વંદેમેટ્રો કે જેનું
નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે, તેને પ્રસ્થાન કરાવતી વેળાએ અગ્રણીઓ
દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌપ્રથમ
એવી અત્યાધુનિક ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું, ત્યારે ભુજ રેલવે સ્ટેશન ગાજી
ઊઠયું હતું. સૌએ ભારે ઉમંગ-ઉલ્લાસ સાથે દેશને સમર્પિત થયેલી ટ્રેનની પ્રથમ સફરને વધાવી
લીધી હતી. આ ટ્રેનનાં લોકાર્પણ સાથે વડાપ્રધાનના હસ્તે સામખિયાળી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર
રેલવે લાઈનના વિસ્તૃતિકરણના રૂા. 1582 કરોડના
કાર્યનો પ્રારંભ કરાવાયો હતો. અમદાવાદના જીએમડીસી
ગ્રાઉન્ડ ખાતેથી આ ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યા બાદ પોતાના ઉદ્બોધનમાં શ્રી
મોદીએ કહ્યું કે, નમો ભારત રેપિડ રેલ શહેરી રેલ જોડાણનાં ક્ષેત્રે પાયાનો પથ્થર બનશે,
તેમ કહી દેશના વિકાસમાં રેલવેનું યોગદાન અદ્ભુત હોવાની લાગણી દેખાડી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો ભારત
રેપિડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈની
આગેવાનીમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. કચ્છના આર્થિક અને પ્રવાસન
વિકાસને નમો ભારત રેપિડ રેલ વધુ ગતિ આપશે. ભુજ રેલવે સ્ટેશને આયોજિત કાર્યક્રમમાં મુખ્ય
અતિથિ પદેથી સંબોધન કરતાં સાંસદ વિનોદ ચાવડાએ આજના દિવસને કચ્છ માટે ઐતિહાસિક ગણાવી
નમો ભારત રેપિડ રેલથી કચ્છના પ્રવાસન વિકાસને વેગ પકડશે, તેવું કહી કચ્છનો હાઈસ્પીડ
રેલ યુગમાં પ્રવેશ સાથે આ જિલ્લામાં રેલવેના નવા અધ્યાયના મંડાણ થયાં છે. શ્રી ચાવડાએ
કહ્યું કે, સ્વદેશી બનાવટની આ ટ્રેન થકી કચ્છના પ્રવાસીઓને મુંબઈની વંદે ભારત સહિત
અન્ય પ્રાંતોની ટ્રેનનું જોડાણ પણ મળશે. આગામી સમયમાં ભુજથી સૌરાષ્ટ્રને જોડતી રેલવે
સેવા શરૂ થવા સાથે કચ્છના લોકોની હરિદ્વારની સીધી રેલ સેવાનો લાભ મળશે, તેવો વિશ્વાસ
દેખાડી આ સેવાનો મહત્તમ લાભ લેવાની અપીલ કરી હતી. આ તકે તેમણે કચ્છની જનતા વતી વડાપ્રધાન
અને રેલવેપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના એડીઆરએમ લોકેશ
કુમારે આ ટ્રેનની વિશેષતાઓ પર પ્રકાશ પાડવા સાથે સૌને આવકાર આપ્યો હતો. એરિયા રેલવે
મેનેજર આશિષ ધનિયાએ મંચસ્થ મહેમાનોનું સન્માન કર્યું હતું. ટ્રેનને પ્રસ્થાન કરાવવાના
કાર્યક્રમમાં ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, જિલ્લા
કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર મિતેશ
પંડયા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી, તાલુકા
પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, મહિદીપસિંહ જાડેજા, બાલકૃષ્ણ મોતા, ભુજ ચેમ્બર પ્રમુખ
અનિલ ગોર, એ.વાય. આકબાની, રવિન્દ્ર ત્રવાડી, પ્રબોધ મુનવર, ભુજના સ્ટેશન માસ્તર રાજીવકુમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ ટ્રેનમાં પ્રવાસીઓને
નિ:શુલ્ક પ્રવાસની મોજ માણવા સાથે ટ્રેનમાં ફોટો પડાવી સોશિયલ મીડિયામાં તેને અપલોડ
કર્યા હતા.