ભુજ, તા. 10 : અહીં આઇએમએ ભુજ તથા કચ્છ સર્જન
એસોસિયેશનના સહકારથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના જીઆઇ, લંગ અને થોરાસિક કેન્સર સર્જન ડો. મહેશ પટેલનું
`સર્જિકલ માર્વેલ્સ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. સર્જિકલ માર્વેલ્સ
એ ફક્ત ડો. પટેલના અત્યાર સુધી કરાયેલા ખાસ કેસની સર્જરીનું પુસ્તક નથી, પરંતુ એક તબીબના સર્જરી કરતા થયેલા વર્ષોના અનુભવોનો નિચોડ છે જે આગળ જતાં
અન્ય તબીબોને દર્દીનું જીવન બચાવવા પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.
ઝાયડ્સ ગ્રુપમાં રિસર્ચ, ટેક્નોલોજી તથા એક્સપર્ટ કેરના વિઝનને
આગળ વધારતાં સર્જિકલ માર્વેલ્સમાં ઝાયડસમાં કરાયેલી ખાસ સર્જરીઓનો સમાવેશ કરાયો છે,
જેમાંથી અમુક તો ભારતમાં પ્રથમવાર કરાઇ હતી. ભારતની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ
ટાઇટેનિયમ સ્ટર્નલ રિકન્સ્ટ્રક્શન, ઇસીએમઓ હેઠળ ભારતની પ્રથમ
રોબોટિક ટ્રેક્યાલ રિકન્સ્ટ્રક્શન સહિત અનેક ટેકનિકની ભારતમાં શરૂઆત કરનારા ડો. મહેશના
કાર્યને પુસ્તકમાં બિરદાવાયું હતું. કાર્યક્રમમાં આઇએમએ ભુજના પ્રમુખ ડો. લવ કતિરા,
મંત્રી ડો. આનંદ હીરાણી, કચ્છ સર્જન એસોસિયેશનના
પ્રમુખ ડો. શ્યામસુંદર, ભુજના વરિષ્ઠ સર્જન ડો. મુકેશ ચંદે,
જિલ્લાના ઓન્કોલોજિસ્ટ, ઓન્કોસર્જન્સ, જનરલ સર્જન્સ સહિત વિવિધ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.