• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સમાજ-રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનું અનેરું યોગદાન

ભુજ, તા. 5 : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને ઊજવાતા શિક્ષકદિને આજે કચ્છના જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધ્યક્ષપદેથી બોલતાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનાં યોગદાનને અનેરું ગણાવી બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે શહેરની મુક્તજીવન મહિલા કોલેજ ખાતે કચ્છના `શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના અધ્યક્ષ પદેથી બોલતાં કચ્છ-મોરબીના સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે `શિક્ષણ સાથે સંસ્કારનું વહન કરતા શિક્ષકો સમાજના ઘડવૈયા' છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની `વૃક્ષારોપણ'ની પહેલને સૌએ આગળ ધપાવી કચ્છને હરિયાળું બનાવવા પ્રયત્ન કરવા હાકલ કરી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતના વિદ્યાર્થીઓ માટે `નમો લક્ષ્મી', `નમો સરસ્વતી' જેવાં વિદ્યાર્થીલક્ષી પગલાંઓની પણ પ્રસંશા કરી હતી. પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ, ભુજની દીકરીઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રાસિંહ વાઘેલાએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા, આ તકે ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ધારાસભ્યો પ્રદ્યુમનાસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજના ટ્રસ્ટી આર.એસ. હીરાણી, કીર્તિભાઈ વરસાણી તેમજ માધ્યમિક અને પ્રાથમિક વિભાગના તમામ સંઘના પ્રમુખોને સન્માનિત કરાયા હતા. પ્રસંગ પરિચય જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે આપ્યો હતો, તો રાજ્ય કક્ષાએ `શ્રેષ્ઠ શિક્ષક' તરીકે પસંદ થયેલા કચ્છના ત્રણ શિક્ષકને શુભકામના  પાઠવી હતી. જ્યારે જિલ્લા કક્ષાએ ચાર તેમજ તાલુકા કક્ષાએ 19 શિક્ષકને સન્માનપત્ર અને સાલથી તેમજ અનુક્રમે 15 અને 5ાંચ હજારની રકમ તેમજ સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા. ડો. મોહનભાઈ પટેલે ટેકનોલોજીના યુગમાં પણ શિક્ષકોનું આગવું સ્થાન હોવાનું જણાવ્યું હતું, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ આગવી શૈલીમાં જીવન ઘડતરમાં શિક્ષકોનાં સ્થાન વિશે વાત કરી હતી. અનિરુદ્ધભાઈ દવેએ શિક્ષક એ `યોગક્ષેમ' તેમજ `સમાજસેવા'નું ઉત્તમ કાર્ય કરે છે એમ જણાવી પોતાના ગુરુજનોને યાદ કર્યા હતા. ત્રિકમભાઈ છાંગાએ પોતાના શિક્ષક તરીકેની સેવાને યાદ કરી આવા પ્રસંગે પોતીકાપણું અનુભવાતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા કક્ષાના `શ્રેષ્ઠ શિક્ષિકા' આચાર્યા શ્રીમતી ચેતનાબેન ગોરે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓનાં જીવનમાં અજવાળાં પાથરતા રહેવાની નેમ વ્યક્ત કરી હતી, તો તાલુકા કક્ષાના `શ્રેષ્ઠ શિક્ષક' અજયભાઈ પરમારે હંમેશાં વિદ્યાર્થી કેન્દ્રી રહી સેવારત રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ તબક્કે `કોમન એન્ટ્રન્સ ટેસ્ટ' અને `જ્ઞાનસાધના' પરીક્ષા'ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. આભારવિધિ વર્ગ-2 આચાર્ય પૃથ્વીરાજાસિંહ ઝાલાએ જ્યારે સંચાલન ઉષ્માબેન મુનશી તેમજ હનીબેન રાઠોડે કર્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા નાસીર હુસેન મન્સુરી,  વનિતાબેન મહિડા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  કમલેશભાઈ ખટારિયા,  નીલેશભાઈ ગોર, વર્ગ-2 આચાર્યો વિજયભાઈ કાલરિયા,  હીનાબેન પાંચાણી,  અર્ચનાબેન વાસાણી, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો   મેનાબેન મોઢા, પરેશભાઈ અજાણી, અશ્વિનાસિંહ વાઘેલા, અમિત ધોળકિયા, દિનેશભાઈ દેસાઈ,  મૂરજીભાઇ મીંઢાણી તેમજ વિવિધ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang