નિરોણા (પાવરપટ્ટી), તા. 4 : હાલ ગુજરાતભરમાં થયેલાં ભારે વરસાદ
બાદ પોરબંદરના ખાપટ વિસ્તારમાં ખાડીના પાણી ચારે બાજુથી ઘેરી વળ્યા પછી લોકોને બચાવવા
એસ.એસ.બી. એકવા મરીન ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટની મદદ માંગવા આવી હતી. જ્યાં મૂળ વેડહાર
(નિરોણા)ના આ કમાન્ડર ખીમજી સોઢાના માર્ગદર્શન હેઠળ મહા મુશીબતે ફસાયેલા 50 જેટલા ગામલોકોને
જીવના જોખમે ઉગારી પ્રશંસનીય કામગીરી પાર પાળી હતી. પોરબંદરના ખાપટની કપરી પરિસ્થિતિમાં
લોકોના જીવ બચાવવા ચીફ ફાયર ઓફિસર દ્વારા પોરબંદર સ્થિત એકવા એસ.એસ.બી. મરીન ટ્રેનિંગ
ઇન્સ્ટીટયૂટને જાણ કરી મદદ માંગવામાં આવી હતી.
આ ટુકડીના અધિકારી મૂળ કચ્છની જાણીતી પાવરપટ્ટીમાં ગામ વેડહાર (નિરોણા)ના આ કમાન્ડર
તરીકે ફરજ બજાવતાં સોઢા ખીમજી કાનજીએ સમય સૂચકતા વાપરી તરત જ રાજસ્થાન સ્થિત પોતાના
ઉપરી સિનિયર અધિકારી વંદન સકસેના (ડી.આઇ.જી.)ને ફોન દ્વારા જાણ કરી બચાવની કામગીરી
હાથ ધરી હતી. જેમાં આ અધિકારી સાથે તેમની ટીમના વડા ઇન્સ્પેટર બી.સી. ઝાલા, હવાલદાર
તરૂણ રાણા, હવાલદાર ઘોષ, હવાલદાર અમૃતભાઇ, સિપાઇ કિરણ સહિત અન્ય 10 જેટલા જવાન ખાપટ
ગામમાં બચાવ રાહત કાર્યની સામગ્રી અને બોટ લઇ ઉતર્યા હતા. જ્યાં કમાન્ડર ખીમજી સોઢાની
કોઠાસૂઝથી ભારે જળભરાવ વચ્ચે ફંસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા. જ્યાં મહામુશીબતે મકાનોની
છત પર લોકોને ઉતારી બોટ દ્વારા પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા. જેમાં
50 જેટલા પુરૂષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો હતો. પોરબંદર નગરપાલિકાના મહિલા પ્રમુખ
ચેતનાબેન તિવારીએ એસ.એસ.બી.ના કચ્છી અફસર ખીમજી સોઢાની ટીમની કામગીરીની ભારે પ્રશંસા
કરી ગામ લોકોના જીવ બચાવવા બદલ આભારની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા.