• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

હિન્દુ સમાજને જાગૃત કરવા સંતોએ એક થવું પડશે

નખત્રાણા, તા. 26 : દેશલપર વાંઢાય ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ યુવા પાંખ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાંચ દિવસીય અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શિબિરમાં મુખ્યઅતિથિ તરીકે ઇશ્વરદાસજી આશ્રમ વાંઢાયના મહંત મોહનદાસજી બાપુ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રદેશઅધ્યક્ષ રણછોડભાઇ ભરવાડ, એ.એચ.પી. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કામેન્દ્રસિંહ રાઠોડ, સૌરાષ્ટ્ર પ્રાંત એએચપીના મહામંત્રી શશિકાંતભાઇ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠનના મંત્રી નિર્મલભાઇ ખુમાન દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જાગૃતિ તેમજ શારીરિક કસરત, માનસિક વ્યાયામ તેમજ સંગઠનનો કેમ વિકાસ કરવો એ પાંચ દિવસ તાલીમ અપાશે. ઇશ્વરરામજી આશ્રમના મહંત મોહનદાસજી બાપુએ જણાવ્યું કે, સંત શ્રી વાલરામ બાપા તેમજ ઓધવરામજી મહારાજે ધર્મ જાગૃતિ માટે વાંઢાયમાં તપસ્યા કરી હતી. આજે હિન્દુ સમાજને જાગૃત કરવા માટે સંતોને એક થવું ખૂબ જ જરૂરી છે. તો જ હિન્દુ સમાજનું કલ્યાણ થશે. તેમણે ઓધવરામજી મહારાજની ધર્મજાગૃતિની સંઘર્ષ કથાનું પણ વર્ણન કર્યું હતું. રણછોડભાઇ ભરવાડે જણાવ્યું કે, હિન્દુ સમાજનો ઉદ્દેશ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ જ છે. આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને થતા અન્યાય સામે લડવાનો છે. જેમ કે, ખેડૂતોને ટેકાના ભાવ જ્યારે ઓછા મળે છે તેમ જ કોઇ ગરીબ દીકરીનાં લગ્ન કરાવવાના હોય તથા કોઇ હિન્દુ સમાજના દીકરાને ભણાવવા માટે કંઇ સહાય કરવાની હોય એ માટે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યરત રહે છે. કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી જગદીશભાઇ વડોદરિયા, કમલેશભાઇ ઠક્કરે કર્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષક મનોજભાઇ રાઠોડ, હરપાલ પટેલ, મનીષભાઇ મકવાણા, કલ્પેશ ધોળુ, ઉપેન્દ્રભાઇએ તાલીમ આપી હતી. શિબિરની સંપૂર્ણ વ્યવસ્થાનો ભાર એએચપી કચ્છ વિભાગના મહામંત્રી પ્રજ્ઞેશભાઇ ચોથાણી, એએચપી પશ્ચિમ કચ્છના પ્રમુખ રાજેશ જેઠીએ સંભાળ્યો હતો. ચેતનભાઇ ઠક્કર, હરેશભાઇ પુરોહિત, સરદારભાઇ જહાંગીર, બીજલભાઇ રબારી સહયોગી રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang