• શનિવાર, 27 જુલાઈ, 2024

કેન્દ્રીય મંત્રીના નિવેદનના વિરોધમાં માંડવી, નલિયા અને ખેડોઈમાં આવેદન અપાયાં

ભુજ, તા. 2 : ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ભાષણ દરમિયાન આપેલા નિવેદન અંગે રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી અને રાજ્યભરમાં સમાજ દ્વારા આકરો વિરોધ નોંધાઈ રહ્યો છે, જે અંતર્ગત કચ્છમાં પણ જુદા-જુદા સ્થળે આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરાઈ હતી, તો આવતીકાલે ભુજમાં પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે. અંજાર તાલુકાના ખેડોઈ ગામે રાજપૂત (ક્ષત્રિય) યુવા સભા દ્વારા ભાજપ કાર્યકરો કે ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરાઈ હતી તેમજ ગ્રામજનો દ્વારા ભાજપ પક્ષનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વેળાએ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જ્ઞાતિજનો જોડાયા હતા, તેવું અમારા અંજારના પ્રતિનિધિ દ્વારા જણાવાયું હતું. માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તથા જુદા-જુદા ગામના આગેવાનો કરણીસેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, મહામંત્રી દશરથસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, સામંતસિંહ સોઢા, શિવુભા જાડેજા-વેકરા, જટુભા જાડેજા-ત્રગડી, પ્રદ્યુમનસિંહ જાડેજા-મંઝલ, ચતુરસિંહ જાડેજા સહિતના દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય મંત્રીની લોકસભા ટિકિટ રદ કરવા તથા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માગણી કરી હતી અને જો તેમ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં પણ કરણીસેના તેમજ અબડાસા ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ વિરોધ નોંધાવવા રેલી યોજી સમાજ અગ્રણી અજિતસિંહ જાડેજાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં દરેક ગામમાંથી રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang