નવી દિલ્હી, તા. 5 : અહીંની શ્રીરામ
કોલેજ ઓફ કોમર્સની 100મી વર્ષગાંઠ
નિમિત્તે આયોજિત સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ વિપક્ષો પર તીવ્ર
પ્રહારો કર્યા હતા, તો બીજી તરફ
યુવાઓને આકર્ષવાના પ્રયાસ પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 2013માં પોલિસી પેરાલિસીસ એટલે
કે, નીતિઓ અમલમાં મૂકવાની કચાશથી આગળ વધીને બહુ
લાંબી મજલ કાપી છે અને દેશને કમજોર કરી ચૂકેલાં પરિબળો હવે 7.8ના વિકાસદરને પચાવી શકતા નથી.
મોદીએ આતંકપરસ્ત પાકિસ્તાન પર પણ નિશાન તાકીને કહ્યું હતું કે, આજે પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરે છે,
ત્યારે આપણી સેના અંદર ઘૂસીને મારે છે. મોદીએ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ
(એસઆરસીસી) ખાતેના પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના
નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, `આવા લોકોને કાચ અડધો ભરેલો જોવાનો આનંદ
આવે છે, જેથી દેશના સામાન્ય ગરીબ લોકો તેમના પર નિર્ભર
રહે. હું જાણું છું કે, સત્યની ગર્જના સામે જૂઠાણાની ગુંજ ટકી
શકશે નહીં.' `આ મોદી છે, તે માઈબાપ કલ્ચરને ટેકો આપનારાઓ સામે ખડકની
જેમ ઊભા છે.' તેમણે કહ્યું હતું કે, `જે લોકોએ આટલા લાંબા સમય સુધી દેશ પર શાસન
કર્યું તેમની એક ખાસ શૈલી હતી, આગ લાગે
ત્યારે જ જાગતા અને દુષ્કાળ પડે ત્યારે જ કૂવો ખોદતા. મેં આ અભિગમ બદલવાની વાત કરી
હતી અને 2014માં અમારી
સરકાર સત્તામાં આવ્યા પછી અમે તે પરિવર્તનને વાસ્તવિક્તા બનાવ્યું.' વડાપ્રધાને કહ્યું હતું, `મારી પાસે હિંમત છે, તેથી જ હું તમને યાદ કરાવું છું. મેં જે કહ્યું
હતું તે યાદ છે. 2013માં આ જ કાર્યક્રમમાં
મેં કહ્યું હતું કે, આપણે `મેડ ઈન ઈન્ડિયા' તરફ કામ કરવાની જરૂર છે, તે સમયેની ઈકોસિસ્ટમના લોકો તેને સમજી શક્યા નહીં. તેઓ માનતા હતા કે નિરાશાના
તે યુગમાં મેડ ઈન ઈન્ડિયા અશક્ય છે અને જે લોકો તે માનસિક્તા સાથે મોટા થયા હતા તેઓ
હજુ પણ મેડ ઈન ઈન્ડિયાની મજાક ઉડાવે છે, પરંતુ આજે તમે મેડ ઈન
ઈન્ડિયાની બ્રાન્ડવેલ્યૂ જોઈ શકો છો.' પીએમ મોદીએ આડકતરી રીતે
વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, `દેશમાં વિવિધ પ્રકારના લોકો છે. એક એવા
છે જે સમાજની શક્તિને રાષ્ટ્રની શક્તિમાં સકારાત્મક રીતે પરિવર્તિત કરે છે, જ્યારે બીજા એવા છે જે દરેક બાબતમાં ગુસ્સો
ભરાયેલા કાકા બની જાય છે. તેમનો એક જ સંવાદ છે :`આની શું જરૂર છે?'