ભુજ, તા. 5 : અબડાસા તાલુકાના જખૌ-નલિયા
માર્ગે ઓધવરામ ગેટ પાસે રોડ નજીક બાવળોની ઝાડીમાં ઢંકાયેલું રહસ્યમય સંજોગોમાં અજાણ્યા
યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળતા પોલીસની દોડધામ વધી છે. આ બનાવ અંગે જખૌ પોલીસ
મથકના પીએસઆઇ આર. જે. ગોહીલ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જખૌ-નલિયા
માર્ગે જખૌથી આશરે બે કિ.મી. દૂર ઓધવરામ ગેટ પાસે રોડની બાજુમાં ખાડામાં બાવળોની ઝાડીમાં
ઢંકાયેલી હાલતમાં અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી હતી. શ્રી ગોહીલે જણાવ્યું હતું કે, પોલીસે આ મૃતક યુવાનની ઓળખ જાણવા આસપાસ ગૂમ
શખ્સની વિગતો તપાસી રહી છે તેમજ સીડીઆરની ચકાસણી કરી છે. લાશ કોહવાયેલી હોવાથી ચામડી
ઉપસી ગઇ છે. અંદાજે 45 વર્ષના આ
અજાણ્યા યુવાને ગુલાબી ટી-શર્ટ અને ભૂખરા કલરનો નાઇટવેરનો લેંગો પહેરેલો છે. મોતનું
કારણ જાણવા લાશને જામનગર ખાતે ફોરેન્સીક સાયન્ટીફીક લેબોરેટરીમાં પોસ્ટમોર્ટમ અર્થે
રવાના કરવાની કામગીરી આદરાઇ છે. ત્યાંનો રિપોર્ટ આવ્યેથી આગળની તપાસે દિશા મળશે. હાલ
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખખલ કર્યો છે. બનાવ સ્થળેથી જે રીતે આ લાશ મળી છે તેને
લઇ તર્ક-વિતર્કો સર્જાયા છે. કુદરતી મોત, અકસ્માત મોત કે હત્યાને લઇ શંકા-કુશંકા સર્જાતા પોલીસ હાલ યુવાનનની ઓળખ જાણવાની
દિશામાં આગળ ધપી રહી છે. આ યુવાનને કોઇ ઓળખતા હોય તો જખૌ પોલીસનો સંપર્ક કરવા પોલીસે
અપીલ કરી છે.