માતાના મઢ (તા. લખપત), તા. 5 : કચ્છના પ્રસિદ્ધ
યાત્રાધામો નારાયણ સરોવર-કોટેશ્વર અને માતાના મઢમાં સાતમ-આઠમના પર્વ પ્રસંગે શ્રદ્ધાળુઓનું
ઘોડાપૂર ઊમટયું હતું. 50 હજારથી વધુ
ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો. વાહનોની ભીડનાં કારણે પાર્કિંગની જગ્યાઓ ટૂંકી પડી
હતી. મોટી સંખ્યામાં ઊમટેલા ભાવિકવર્ગનાં કારણે પ્રસાદ-મીઠાઇ, કટલેરી સહિતના વેપારધંધામાં તેજી વર્તાઇ હતી,
તો રાત્રિના માતાના મઢ જાગીર ટ્રસ્ટ ધર્મશાળા, પાટીદાર સમાજવાડી, લોહાણા સમાજવાડી, ક્ષત્રિય સમાજવાડી તેમજ તમામ ગેસ્ટહાઉસ, હોટેલો હાઉસફૂલ
બની ગયા હતા. હજારો દર્શનાર્થીઓએ માતાના મઢ અને નારાયણ સરોવરના અન્નક્ષેત્રમાં ભોજન
પ્રસાદનો લાભ લીધો હતો. શ્રીકૃષ્ણ જન્મના અનેરા ઉત્સવની સરહદી ગામોમાં ઉજવણી કરાઇ હતી.
પુનરાજપર, કપુરાશી, કોરિયાણી, ભાડારા મોટા, દયાપર, દોલતપર,
ધારેશી, ઘડુલી, પાનધ્રો સહિતનાં
ગામોમાં માખણ-પંજૂરીનો પ્રસાદ વહેંચાયો હતો. રાસ-ગરબાની રમઝટ જામી હતી. સંતવાણી,
આરાધીવાણીના સૂરોથી રાત્રિ ગૂંજતી રહી હતી. શ્રીકૃષ્ણની પાલખીયાત્રા
- મટકીફોડના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યા હતા.