વોશિંગ્ટન, તા. 31 : અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત
મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની
સમર્થકો દ્વારા ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટના પર કેન્દ્રીયમંત્રી
કિરન રિજ્જુએ સખત વાંધો ઉઠાવતાં ઉપદ્રવીઓને કડક ચેતવણી આપી છે કે, સરકારની ટીકા સ્વીકાર્ય છે, પરંતુ તિરંગા અને ભારતનું અપમાન કરનારાઓને આ ભૂલ ખૂબ ભારે પડશે. ન્યૂયોર્કના
મેડિસન સ્ક્વેર ગાર્ડનના ઇન્ફોસિસ થિયેટરમાં `યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હતું. આ કાર્યક્રમ દરમિયાન
ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન `શીખ ફોર જસ્ટિસ' (એસએફજે) સાથે જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન એક દેખાવકાર તિરંગાને પગ સાથે બાંધીને પોઝ આપતો અને અન્ય પ્રદર્શનકારીઓ રાષ્ટ્રધ્વજને
ફાડતા કેમેરામાં કેદ થયા હતા.