• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

કોકરોચ સામે ઝૂકી સરકાર ?

નવી દિલ્હી, તા. 31 : પાંચમી સપ્ટેમ્બરના કોકરોચ જનતા પાર્ટીની રેલીથી પહેલાં કેન્દ્ર સરકાર સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સરકારે નીટ પેપર લીકના વિરોધમાં પ્રદર્શનો દરમ્યાન પ્રદર્શનકારી છાત્રો સામે એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. સરકારે કહ્યું હતું કે, દેશભરમાં પ્રદર્શનો દરમ્યાન છાત્રો અને તેમના પરિવારો સામે નોંધાયેલા ગુના અસાધારણ પરિસ્થિતિઓમાં રદ થવા જોઈએ. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સોમવારે મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ સરકારની વાત મૂકી હતી. તેમણે સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 142 હેઠળ મળેલી વિશેષ શક્તિનો ઉપયોગ કરવાનો અનુરોધ પણ કર્યો હતો અને મામલાની સુનાવણી આવતીકાલે મંગળવારે જ કરી લેવાની અપીલ કરી હતી. કલમ 142 હેઠળ મળેલી શક્તિનો ઉપયોગ કરીને પ્રદર્શનકારી છાત્રો સામે એફઆઈઆર રદ કરવા સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. સરકારનો તર્ક છે કે, એફઆઈઆરની અસર મોટી સંખ્યામાં છાત્રોનાં ભવિષ્ય પર પડી શકે છે. એ જોતાં અદાલતે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈને એફઆઈઆર રદ કરી દેવી જોઈએ. ખાસ ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પાંચ સપ્ટેમ્બરે જે માગો સાથે રેલીનું એલાન કર્યું છે, તેમાં એફઆઈઆર રદ કરવાનું સરકાર વચન પાળે તે માંગ પણ સામેલ છે.

Panchang

dd