શ્રીનગર, તા. 31 : કાશ્મીરનું સુંદર વાતાવરણ લાંબા
સમયથી બોલીવૂડને આકર્ષિત કરતું આવ્યું છે. બોલીવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં
કરવામાં આવ્યું છે. જો કે હવે કાશ્મીરને વિશ્વ સિનેમાનાં ક્ષેત્રમાં ઓળખ અપાવવાની દિશામાં
મહત્ત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કાશ્મીરમાં પહેલી વખત ઇન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થવા જઈ રહ્યો છે. આ ફેસ્ટિવલનું નામ `રંગ એ સિનેમા' રાખવામાં આવ્યું છે. આ આયોજનમાં 41 દેશની 135 ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં
આવી છે. કાશ્મીરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સાતથી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેનું
આયોજન જમ્મુ કાશ્મીર સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા કરવામાં આવશે. સરકારનો
હેતુ જમ્મુ કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ શૂટિંગ, સિનેમા, રચનાત્મક સહયોગ
અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનું મોટું કેન્દ્ર બનાવવાનો છે. આંતરરાષ્ટ્રીય મહોત્સવ સંબંધિત
એક અધિકારીએ કહ્યું હતું કે, આયોજનનો હેતુ જમ્મુ કાશ્મીરના સિનેમાથી
સંબંધિત ઐતિહાસિક સંબંધોને પુનર્જિવિત કરવાનો છે. આ ઉપરાંત સ્થાનિક પ્રતિભાઓ માટે તક
પેદા કરવી, ફિલ્મ નિર્માતાઓને આકર્ષિત કરવા, ફિલ્મ પર્યટનને પ્રોત્સાહન આપવું વગેરે લક્ષ્યો પણ સામેલ છે.