નવી દિલ્હી, તા. 21: નીટ પેપરલીક
બાદ જંતરમંતર પર હવે જાતિ આધારિત અનામત હટાવવાની માંગ સાથે નવું આંદોલન શરૂ થયું છે.
સેંકડોની સંખ્યામાં દેખાવકારોએ પહોંચીને યુજીસી નિયમો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી હતી.
દેખાવકારોએ કહ્યું હતું કે, અમારું પ્રદર્શન
પૂર્ણપણે શાંતિપૂર્ણ છે. પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. જંતરમંતર
પર શુક્રવારની સવારથી લોકો એકઠા થવા માંડયા હતા. દિવસભર આંદોલનના માહોલ વચ્ચે અનામત
અને યુજીસીના નિયમો વિરુદ્ધ નારેબાજી કરાઈ હતી. અનામત ગરીબને મળે, કોઈ જાતિને નહીં, દેશના અવાજને સાંભળવો પડશે,
ભારતમાં આર્થિક આધાર પર અનામત આપવી પડશે, જેવા
નારાઓ લખેલાં પોસ્ટરો લહેરાવાયાં હતાં. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, જાતિ આધારિત અનામત ન હટાવાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. શૈક્ષણિક પરિસરોમાં
જાતિ આધારિત ભેદભાવ રોકવા સાથે સંબંધિત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના સમાનતાના
નિયમો સામે પણ દેખાવકારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સવર્ણ સમાજ નિયમોમાં થયેલા સુધારાનો
પોતાની વિરુદ્ધ દુરુપયોગની આશંકા વ્યક્ત કરતાં એ સંશોધનો પાછાં ખેંચવા માંગ કરી રહ્યો
છે. દરમ્યાન, દિલ્હી
પોલીસે કહ્યું હતું કે, `અનામત હટાવો' આંદોલન માટે રામલીલા મેદાન પર પ્રદર્શનની અનુમતી
અપાઈ હતી.