બલૂચિસ્તાન હવે સ્વતંત્ર દેશ ? : 85 ટકા ક્ષેત્ર પર બંડખોરોના
કબજાનો દાવો : નવી દિલ્હી, તા. 14 : પાકિસ્તાનને
ઝાટકો આપતાં બલૂચિસ્તાને પોતાને આઝાદ દેશ તરીકે ઘોષિત કર્યો હોવાનો દાવો સોશિયલ મીડિયામાં
કરાયો હતો. રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન નામથી વાયરલ થયેલા પત્રમાં જણાવાયું હતું કે, બલૂચિસ્તાનની સેનાએ ક્ષેત્રના 85 ટકા હિસ્સા પર કબજો કરી લીધો
છે. આ સાથે જ દેશના ઝંડા, રાષ્ટ્રગાન,
નવું ચલણ અને પ્રશાસનિક વ્યવસ્થા લાગુ કરાઈ હોવાનો પણ દાવો કરાયો હતો.
જો કે, વાયરલ લેટર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક મીડિયા
હેવાલ મુજબ, જારી કરાયેલા પત્રમાં દાવો કરાયો હતો કે,
નવી સરકાર પાસે ક્ષેત્રના ખનિજ, ગેસ ક્ષેત્રો અને
કોલસાની ખાણો પર સંપૂર્ણ નિયંત્રણ છે. તે ઉપરાંત પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓમાંથી
મોટી સંખ્યામાં લોકોએ રાજીનામાં આપીને બલૂચિસ્તાનનો સાથ દેવાનો પણ ઉલ્લેખ કરાયો છે.અલબત્ત,
હજુ સુધી કોઈ પ્રમુખ આંતરરાષ્ટ્રીય સંસ્થા કે માન્યતા પ્રાપ્ત સરકારે
બલૂચિસ્તાનને એક સ્વતંત્ર દેશના રૂપમાં માન્યતા આપી હોવાની જાહેરાત કરાઈ નથી. નોંધનીય
છે કે, બલૂચિસ્તાનમાં ઘણા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાનની
વિરુદ્ધ અનેકવાર વિરોધ પ્રદર્શન પણ થયાં છે. ત્યાંના લોકો આસિમ મુનીર અને શાહબાજ શરીફ
વિરુદ્ધ નારા પણ પોકાર્યા હતા. તે વચ્ચે બલૂચિસ્તાને પોતાને આઝાદ દેશ ગણાવ્યો છે. બલૂચ
વિદ્રોહીઓ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલા વધારી
દીધા છે. પાકિસ્તાનના સંરક્ષણ અધિકારીઓ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં
105થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
છે. તેમાંથી 71 આતંકવાદીઓ 7 જુલાઈથી શરૂ થયેલા ઓપરેશન શાબાન દરમિયાન
માર્યા ગયા છે. - પીઓકેમાં અત્યાચારો માટે પાકને જવાબદાર ઠરાવે વિશ્વ : ભારત : નવી દિલ્હી, તા. 14 : પાકિસ્તાનના
કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં સરકાર વિરુદ્ધ દેખાવો વધુ તીવ્ર બની રહ્યા છે અને પ્રદર્શનકારીઓ
વિરુદ્ધ અત્યાચાર પણ થઇ રહ્યા છે, ત્યારે
ભારતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, સ્થાનિક લોકોની વાજબી
ફરિયાદો પર ધ્યાન આપવાને બદલે પાકિસ્તાની સરકાર તેમની સામે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરી
રહી છે અને દુનિયાએ પાકિસ્તાનને જવાબદાર ઠરાવવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, મુનીરની સેનાએ આજે પણ અચાનક દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં છ જણનાં મોત થયાં હતાં અને સમગ્ર પીઓકેમાં તનાવ વધ્યો છે. ભારતીય વિદેશ
મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પીઓકેમાં
થઇ રહેલા વિરોધ પ્રદર્શનો ત્યાંના લોકોના ગુસ્સાનું પરિણામ છે. તેઓ દાયકાઓથી પાકિસ્તાન
દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના પ્રદેશમાં શોષણ, મૂળભૂત અધિકારોનો
અભાવ અને વહીવટી અત્યાચારોનો ભોગ બન્યા છે.
તેમણે કહ્યું હતું કે, સ્થાનિક વસ્તીની વાજબી ફરિયાદોને સંબોધવાને
બદલે પાકિસ્તાની સરકારે પોલીસ બર્બરતાનો આશરો લીધો છે. અધિકારીઓએ લાચાર મહિલાઓ અને
બાળકોને નિશાન બનાવ્યા છે. ખોરાક અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો
છે, ઇન્ટરનેટ બંધ કરી દીધું છે અને નિ:શત્ર નાગરિકો પર ગોળીબાર
કર્યો છે, જેના પરિણામે ઘણા લોકોના જીવ ગયા છે. અમને આશા છે કે,
બાકીનું વિશ્વ આ ગંભીર અત્યાચારો અને દુષ્કૃત્યો માટે પાકિસ્તાનને સંપૂર્ણપણે
જવાબદાર ઠેરવશે. જોઇન્ટ આવામી એક્શન કમિટી (જેએએસી)એ 15 જુલાઇના મુઝફ્ફરાબાદ સુધી કૂચ
કરવાની જાહેરાત કરી છે. કમિટીએ સમગ્ર પ્રદેશના લોકોને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં
જોડાવા અપીલ કરી છે. પીઓકેમાં તાજેતરની અશાંતિમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે. જેએએસીએ
અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાના ગોળીબારમાં વધુ બે સૈનિક માર્યા ગયા છે. પીઓકેમાં પાકિસ્તાની
સેના દ્વારા ચાલી રહેલા ઓપરેશન વચ્ચે પ્રદેશમાં તણાવ વધી ગયો છે. પીઓકેમાં દેખાવો દરમ્યાન
કેટલાક અગ્રણીઓએ ભારતની પણ મદદ માગી છે અને ક્યાંક ને ક્યાંક ભારતમાં જોડાવાનો સૂર
પણ સંભળાઇ રહ્યો છે. રવિવાર (12 જુલાઇ-2026)ના પાકિસ્તાની
દળોએ પીઓજેકેમાં જમ્મુ અને કાશ્મીર જોઇન્ટ આવામી એક્શન કમિટી (જેએએસી) દ્વારા આયોજિત
શાંતિપૂર્ણ વિરોધ રેલી પર ગોળીબાર કર્યો. સમાચાર એજન્સી એએનઆઇએ અહેવાલ આપ્યો છે કે, વિરોધ પ્રદર્શન માટે આશરે 40,000 લોકો એકઠા થયા હતા. જેએએસીનો
આરોપ છે કે, પાકિસ્તાની સુરક્ષા દળો
દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.