ભુજ, તા. 14 : અષાઢમાં મેઘરાજા કચ્છમાં મન
મૂકીને વરસે તેવી કરાતી પ્રાર્થના અને મેઘમહેર વરસવાની જોવાતી કાગડોળે રાહ વચ્ચે જિલ્લામાં
સવારથી વાદળછાયો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. વાદળોના જમાવડાની હજરીમાં જિલ્લામાં
કેટલાક સ્થળે ઝરમરિયા વરસતાં માર્ગો ભીના થયા હતા. રાત્રે ભુજ તાલુકાના પદ્ધર, મમુઆરા, કાળીતલાવડી,
કુકમા સહિતના ગામોમાં ઝાપટાં વરસ્યાના અહેવાલ મળ્યા છે, તો મિરજાપર અને આસપાસના ગામોમાં પણ
છાંટા પડયા હતા. જિલ્લા મથક ભુજ ઉપરાંત ગાંધીધામમાં પણ અમીછાંટણાથી જમીન ભીંજાઈ હતી.
ચારેક દિવસથી તીવ્ર ઝડપે ફૂંકાતા વેગીલા વાયરાનો પ્રભાવ જળવાયેલો રહ્યો હતો. પવનની
ઝડપ આંશિક ઘટીને 20થી 25 કિ.મી. આસપાસ નોંધાઈ હતી. ધૂળની
ડમરી ઊડયાનું પ્રમાણ એકંદરે ઘટેલું જોવા મળ્યું હતું. મહત્તમ તાપમાન 30થી 36 અને લઘુતમ તાપમાન 27થી 29 ડિગ્રી વચ્ચે
નોંધાયું હતું. હવામાનશાત્રીઓના મતે આ માસના અંતમાં જિલ્લામાં વરસાદનો એક સારો રાઉન્ડ
આવે તેવી આશા બળવત્તર બનેલી જોવા મળી રહી છે.