નવી દિલ્હી, તા. 14 : મધ્ય-પૂર્વમાં
ફરી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હોર્મુઝમાં જહાજો પરના હુમલા વચ્ચે, ઈરાનના બુશેહર અને બંદર અબ્બાસ નજીક વિસ્ફોટ
થયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નાકાબંધીની જાહેરાત બાદ ઈરાને ધમકી આપી છે કે,
અમેરિકી કાર્યવાહીથી હોર્મુઝ ક્યારેય નહીં ખુલે. 1 ભારતીયનું મોત થતા ભારતે વિરોધ નોંધાવ્યો
છે. બીજીતરફ ઇઝરાયલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો તેમના પર હુમલો થશે તો તાકાત સાથે પલટવાર કરાશે. હોર્મુઝમાં જહાજો પર થઈ
રહેલા હુમલા વિશ્વભરમાં મોટા તેલ સંકટ તરફ ઈશારો કરી રહ્યા છે. આ દરમિયાન ઈરાનના બુશેહર
અને બંદર અબ્બાસ શહેર નજીક જોરદાર વિસ્ફોટ થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા
હોર્મુઝમાં ઈરાન વિરુદ્ધ નાકાબંધી પુન:સ્થાપિત કરવા અને જહાજો પાસેથી ટેક્સ વસૂલવાની
જાહેરાત બાદ ઈરાન પણ આક્રમક મૂડમાં આવી ગયું છે. ઈરાનની સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું
છે કે, અમેરિકાની ધમકી
કે સૈન્ય કાર્યવાહીથી હોર્મુઝ ક્યારેય નહીં ખુલે.
ઈરાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં
આવેલા બુશેહરમાં જ્યાં પરમાણુ મથકો આવેલા છે ત્યાં 4 સ્થળો પર અમેરિકી મિસાઈલો દ્વારા હુમલો
કરવામાં આવ્યો છે. આ પહેલાં ઈરાનના સરકારી ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણના શહેર બંદર અબ્બાસ નજીક ઓછામાં ઓછા
પાંચ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની
સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમિનિયાએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યારેય પણ યુદ્ધ, અમેરિકાની દાદાગીરી
અને સૈન્ય કાર્યવાહીથી ખુલશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે, અમારી
સેના હોર્મુઝમાંથી પાછી હટશે નહીં. હોર્મુઝ ખોલવાનો એકમાત્ર રસ્તો એ છે કે,
ઈરાની લોકોના અધિકારોનું સન્માન કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે,
અમે શહીદો અને ખાસ કરીને ઇસ્લામિક ક્રાંતિના શહીદ નેતા અયાતુલ્લાહ અલી
ખામેનીના લોહીનો બદલો લઈને જ રહીશું. દરમ્યાન, અમેરિકા-ઇરાનનો
યુદ્ધમોરચો ગરમ થવાની સાથે ઇઝરાયલે પણ ધમકીનો સૂર અપનાવ્યો હતો. ઇઝરાયલી વડાપ્રધાન
બેન્જામિન નેતાન્યાહુએા ઇરાની નેતાઓ માટે જારી કરેલા વીડિયો સંદેશામાં કહ્યું કે,
જો તમે ઇઝરાયલ પર હુમલો કરવાના હો તો એવું ન વિચારતા કે બધું શાંત રહેશે.
જો હુમલો થયો તો ઇઝરાયલ વધારે આક્રમકતાથી પલવટવાર કરશે.