• મંગળવાર, 14 જુલાઈ, 2026

શુભમન ગિલ આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની દોડમાં

દુબઇ, તા. 13 : આઇસીસી તરફથી જૂન મહિનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ માટેના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના નામાંકનની સૂચિ જાહેર થઇ છે. જેમાં પુરુષ વર્ગમાં ભારતીય વન ડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સાથે બાંગલાદેશનો ઓલરાઉન્ડર મોસાદેક હુસેન અને ન્યુઝીલેન્ડનો પેસર નાથન સ્મિથ સામેલ છે. મહિલા વિભાગમાં સ્કોટલેન્ડની કેથરીન બ્રાઇસ, ભારતની સ્પિનર શ્રી ચરણી અને ઈંગ્લેન્ડની બેટર ડેની વ્હાઇટ હોજ નોમિનેટ થઇ છે.  શુભમન ગિલે જૂન માસમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં 126 રનની ઈનિંગ રમી હતી. વન ડે શ્રેણીમાં 84 અને 14 રનની બે શાનદાર ઇનિંગ રમી હતી. આથી તે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત થયો છે. મોસાદેકે ઓસ્ટ્રેલિયા સામેની બાંગલાદેશની 2-1ની શ્રેણી જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જયારે નાથન સ્મિથ ઈંગ્લેન્ડ સામેની 2-1ની ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ માટે જીતનો નાયક રહ્યો હતો. તેણે કુલ 16 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા સ્પિનર શ્રી ચરણીએ ટી-20 વિશ્વ કપમાં 6 મેચમાં 14 વિકેટ લીધી હતી.

Panchang

dd