• બુધવાર, 15 જુલાઈ, 2026

ડીસી-5ની ડમ્પિંગ સાઇટ ઉપર ડસ્ટબિન કચરો બની

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ-આદિપુરમાં જાહેર રસ્તાઓ અને અલગ-અલગ જગ્યાઓએ ગંદકી ફેલાઈ રહી છે. સફાઈ માટે દર મહિને એજન્સીને 1.41 કરોડથી વધુ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, છતાં જોડિયા શહેરોમાં અમુક આંગળીના વેઢે ગણાય એટલા માર્ગોને છોડતાં સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી, તે વચ્ચે ગાંધીધામ અને આદિપુરની સફાઈ વ્યવસ્થા સંભાળતા અધિકારી કર્મચારીઓની ગંભીર બેદરકારીના કારણે ડીસી-પાંચની ડમ્પિંગ સાઈટ ઉપર ડસ્ટબિનો ખુદ કચરો બની ગઈ છે-ભંગાર બની ગઈ છે. નાગરિકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બંને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડસ્ટબિનો લગાડવાની જવાબદારી અધિકારીઓ અને કર્મચારીઓની હતીપરંતુ જવાબદારોએ લાંબા સમયથી આ ડસ્ટબિનોને અલગ-અલગ વિસ્તારોમાં લગાડવાની તસ્દી લીધી નથી. પરિણામે ડીસી-પાંચની ડમ્પિંગ સાઇટ ઉપર ડસ્ટબિનો ભંગાર બની ગઈ છે. નવેનવી ડસ્ટબિનો ઉપયોગ વગર ભંગાર બની ગઈ છે.  સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચીને આ ડસ્ટબિનો વસાવવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન તો સાકાર થયું નથી, પરંતુ રાજ્યના નાગરિકોના ટેક્સના રૂપિયાનો બગાડ થયો છે. સ્વચ્છ સર્વેક્ષણ થઈ રહ્યું હતું, ત્યારે સ્વચ્છતામાં તળિયે ગયેલો નંબર ઉપર લાવવા માટે કર્મચારીઓએ જરૂરિયાત મુજબ બીજી ડસ્ટબિનો મગાવીને મુખ્ય-મુખ્ય વિસ્તારોમાં દુકાનો પાસે રાખી દીધી હતી અને ઘણી જગ્યાઓ ઉપર વિતરણ કરી હતી. સ્વચ્છ સર્વેક્ષણ પૂરું થયા પછી સ્વચ્છતા અભિયાનનો છેદ ઊડયો છે. આદિપુર અને ગાંધીધામમાં સફાઈની એજન્સી પાસેથી કામગીરી લેવામાં અધિકારીઓ સાવ નિષ્ફળ છે. એજન્સીના વાહનો તેમજ એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારો રાખવામાં આવે છે કે નહીં તે સહિતની બાબતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને જોડિયા શહેરોના અલગ-અલગ મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો ઉપર સફાઈનો અભાવ છે. ફેલાતી ગંદકી સામે કોઈ કાર્યવાહી ન કરાતાં  સવાલો ઊઠી રહ્યા છે. લોકો જાહેરમાં કચરો ન ફેંકે તે માટે ડસ્ટબિનો લગાવવાની હતી, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની ગંભીર બેદરકારી બાબતે પગલાં ભરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

Panchang

dd