• બુધવાર, 01 જુલાઈ, 2026

દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી બાદ હવે ઓફિશિયલ ચોમાસાએ બરાબરની જમાવટ કરી દીધી છે. અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વના છે. દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે, જે આગામી કલાકોમાં ભારે વરસાદમાં પરિવર્તિત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, એકસાથે ચાર મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે જે ભારે વરસાદ લાવશે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક અૉફશોર ટ્રફ અને મધ્ય પ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ સક્રિય છે. જ્યારે બીજી જુલાઈએ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે અને આ ભારે વરસાદ થશે.નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે પવન સાથે 'થંડરસ્ટોર્મ ચેતવણી' પણ આપી છે, જેથી સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે. દરમિયાનમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં નોંધાયો હતો. નોંધપાત્ર વરસાદ જોઇએ તો નવસારી શહેરોમાં સૌથી 3.7 ઇચ વરસાદ પડ્યો હતો.  અન્ય તાલુકાઓમાં જોઇએ તો અમરેલીના સાવરકુંડવામાં 3.11, વલસાડના ધરમપુરમાં 2.76, સુરત શહેરોમાં 2.4, સુરતના કામરેજમાં 2.38, નવસારીના જલાલપોરમાં 2.05, ખેડાના વસોમાં 1.85, સુરતના પલસાણામાં 1.85, વલસાડના નાનાપોંધામાં 1.77, સુરતના અંબિકામાં 1.61, મહુવામાં 1.61, ડાંઘના વધઇમાં 1.61, સુરતના બારડોલીમાં 1.54, ઓલપાડમાં 1.38, ગીર સોમનાથના ઉનામાં 1.34, સુરતના ચોરાસીમાં 1.3, સુરતના માંગરોળમાં 1.18, તાપીના વલોજમાં 1.14 અને નવસારીના ચિખલીમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ અને જાફરાબાદ સહિતના દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવણી બાદ હવે પાક માટે આશીર્વાદરૂપ ગણાતો ભારે વરસાદ પડવાની સંભાવના છે.  

Panchang

dd