નવી દિલ્હી, તા. 30 : યુરોપ વર્તમાન
સમયે ભીષણ અને જીવલેણ લૂની ચપેટમાં છે. જેણે આખા મહાદ્વીપને ભઠ્ઠીની જેમ તપાવી દીધો
છે. સ્થિતિ એટલી હદે બદતર બની છે કે ઘણા દેશોમાં સડક અને ટ્રાફિક લાઇટો ઓગળવા લાગી
છે. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ વિક્રમી ગરમીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલ, પરિવહન નેટવર્ક
અને પાવરગ્રીડોને ગંભીર અસર પહોંચાડી છે કારણ કે યુરોપીયન દેશોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ભીષણ ગરમીને સહન કરવા માટે બનાવવામાં આવ્યું નથી અને આ દેશોમાં એસી પણ સામાન્ય નથી.
જર્મનીના બર્લિનને પશ્ચિમી હિસ્સા સાથે જોડતા એ2 મોટરવેનો એક મોટો હિસ્સો ગરમીનાં કારણે
તૂટીને વિખેરાયો હતો. પોલીસ પ્રવક્તા અનુસાર હાઇ વે સતત તૂટવાનાં કારણે એક પછી એક ઇન્ટરચેન્જ
બંધ કરવાની ફરજ પડી હતી. પૂર્વી રાજ્ય બ્રેંડનબર્ગના જીસાર વિસ્તારમાં પણ હાઇ વે એટલો
ખરાબ થયો છે કે વાહનો ચાલવાં મુશ્કેલ બન્યાં છે. લીપઝિગ શહેરમાં ડામર અને કોલતારની
સપાટી ઓગળવા લાગી હતી જ્યારે બર્લિનમાં પોલીસે સડકો ઉપર રાહત માટે પાણીનો મારો ચલાવ્યો
હતો. ફ્રાન્સમાં પણ સડકો ઓગળવા અને વીજળી ગુલ થવાના બનાવ બન્યા છે. સોશિયલ મીડિયા ઉપર
ઇટાલી અને ફ્રાન્સના એવા વીડિયો વાયરલ થયા છે જ્યાં ટ્રાફિક સિગ્નલની લાઇટો ભારે ગરમીનાં
કારણે ઓગળતી જોવા મળી હતી. ગરમીથી બચવા જળાશયોમાં ઉતરનારા લોકો સાથે દુર્ઘટનાઓ બની
રહી છે. ફ્રાન્સમાં 18 જૂનથી અત્યારસુધીમાં
74 લોકોના ડૂબવાથી મૃત્યુ થયાં
છે. પોલેન્ડમાં ગયા રવિવારે 17 લોકો ડૂબી
ગયા હતા.