નવી દિલ્હી, તા. 27 : કેન્દ્રીય
માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)ની નવી ડિજિટલ ચેકિંગ સિસ્ટમ ઓન ક્રીન માર્કિંગ (ઓએસએમ)
પર દેશભરમાં મચેલી બબાલ વચ્ચે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે મોટું
નિવેદન આપ્યું હતું. શિક્ષણમંત્રીએ આ વિવાદની નૈતિક જવાબદારી લેતાં વિદ્યાર્થીઓને વિશ્વાસ
અપાવ્યો હતો કે, ગરબડમાં સામેલ કોઈ પણ દોષીને
છોડાશે નહીં. દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, હું આ સમગ્ર બાબતની જવાબદારી
લઉં છું. આ ખામીઓને સુધારી લેવામાં આવશે અને તેનો યોગ્ય ઉકેલ શોધવામાં આવશે. અમે બધા
અત્યારે આ જ કામ પર લાગેલા છીએ. છેલ્લા કેટલાક
દિવસોથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સોશિયલ મીડિયાથી લઈને બોર્ડ સમક્ષ સતત ફરિયાદો
કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ઉત્તરવહીઓની જે સ્કેન
કોપી ઓનલાઇન મળી રહી છે તે અત્યંત ધૂંધળી અથવા
અધૂરી છે. કેટલાક પ્રશ્નોના જવાબો તપાસ્યા વગરના જ છોડી દેવામાં આવ્યા છે અથવા માર્કિંગમાં
મોટી ભૂલો થઈ છે. રિ-ઇવેલ્યુએશન માટેની ઓનલાઇન પ્રોસેસ દરમિયાન પોર્ટલ ક્રેશ થવું,
પેમેન્ટ ફેલ થવું અને મૂંઝવણભરી સ્થિતિ સર્જાવા જેવી ટેકનિકલ ખામીઓ સામે
આવી છે. શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓના માનસિક તણાવને સ્વીકારવાની સાથેસાથે બોર્ડના આ
ડિજિટલ મોડેલનો બચાવ પણ કર્યો હતો. તેમણે આંકડા આપતાં કહ્યું કે, પરીક્ષા આપનારા 17 લાખ વિદ્યાર્થીની
અંદાજે 98 લાખ ઉત્તરવહી સુરક્ષિત રાખવામાં
આવી છે. દરેક આન્સરબુકમાં આશરે 40 પાનાં હોય
છે, જે હિસાબે લગભગ 40 કરોડ પેજ સ્કેન કરવામાં આવ્યા
છે. તેમણે ઓએસએમ સિસ્ટમને એક પ્રગતિશીલ અને પારદર્શક માધ્યમ ગણાવ્યું હતું, જે વૈશ્વિક સ્તરે પણ સ્વીકારાયેલું છે. આ મુદ્દો
હવે એક મોટો રાજકીય વિવાદ બની ચૂક્યો છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ મામલે
સરકારના ઉત્તરદાયિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું
કે, આ પ્રક્રિયા સરકારી ખરીદીના તમામ નિયમોનું પાલન કરીને જ કરવામાં
આવી છે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું કે તેઓ હંમેશાં ડિજિટલ ઇન્ડિયા
અને વૈજ્ઞાનિક પ્રગતિ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનો વિરોધ કરે છે. પ્રધાને તમામ રાજકીય
પક્ષોને અપીલ કરતાં કહ્યું કે, રાજનીતિ પછી પણ થઈ શકે છે. અત્યારે
સૌથી મહત્ત્વની બાબત એ છે કે, પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો માનસિક
તણાવ વધુ ન વધવો જોઈએ. નેતાઓએ એવાં નિવેદનો આપવાથી બચવું જોઈએ જેનાથી માર્ક્સ વેરિફિકેશન
અને રિ-ઇવેલ્યુએશનની ચિંતામાં ડૂબેલા વિદ્યાર્થીઓનો ગભરાટ વધે. તંત્ર દ્વારા ડેમેજ
કંટ્રોલના પ્રયાસોના ભાગરૂપે, સીબીએસઈએ સ્કેન આન્સરશીટ મેળવવા
માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે અને જાહેર કર્યું છે કે, વિષયના નિષ્ણાતો દ્વારા તમામ સાચી ફરિયાદોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.