ભુજ/ગાંધીધામ, તા. 28 : ગઇકાલે સુમરાસર-શેખ
પાસે બાઇકને એસ.ટી. બસે અડફેટે લેતાં ગામના 68 વર્ષીય વૃદ્ધ ધનાભાઇ જીવાભાઇ ચાડનું ગંભીર ઇજાના લીધે કરુણ મોત
થયું હતું. જ્યારે ભચાઉ તાલુકાના ચોપડવામાં સાહિસ્તા ઓસમાણ કુંભાર (ઉ.વ. 16) નામની કિશોરીએ ગળેફાંસો ખાઇ
જીવન ટુંકાવી લીધું હતું. ગઇકાલે સાંજે લોરિયાથી સુમરાસર-શેખ તરફ જતા માર્ગે અમીબાગના
પાટિયાં પાસે થયેલા અકસ્માત અંગે મૃતક ધનાભાઇ ચાડના પુત્ર પ્રવીણે માધાપર પોલીસ મથકે
નોંધાવેલી ફરિયાદ મુજબ એસ.ટી. બસ નં. જી.જે.-18-ઝેડ.-5078વાળીના ચાલકે
પૂરઝડપે અને બેદરકારીથી બસ ચલાવીને તેના પિતા ધનાભાઇની બાઇક નં. જી.જે.-12-સી.ક્યુ. -9745વાળીને અડફેટે લેતાં છાતી અને
માથાંમાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં
ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માધાપર પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે. બીજીતરફ ભચાઉ તાલુકાના ચોપડવામાં રહેનાર કિશોરી એવી સાહિસ્તા ગઇકાલે સવારે
પોતાના ઘરે હતી. દરમ્યાન તેણે અગમ્ય કારણોસર છતના લોખંડના એંગલમાં ઓઢણી બાંધી ગળેફાંસો
ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ઇદના તહેવારના આગલા દિવસે કિશોરીનાં મોતને પગલે
ભારે અરેરાટી પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.