ગાંધીધામ, તા. 28 : ત્રણ મોટા મહાંબદર, રસ્તા સહિતની માળખાંકીય સુવિધા, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કારણે કચ્છમાં અનેક મહાકાય ઉદ્યોગો ધમધમી રહ્યા
છે. એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ પણ અહીં ધમધમી રહ્યો છે અને લાખો ક્યુબિક મીટર
આયાતી લાકડું કંડલાથી દેશભરમાં પહોંચી રહ્યું
છે. આટલી સુવિધાઓ હોવા છતાંય વડાપ્રધાનનાં સ્વપન સમાન સ્માર્ટ સિટીની પરિયોજના
અંતર્ગત અને જાહેર કરાયેલો ફર્નિચર પાર્ક પ્રોજેક્ટ કચ્છ પાસેથી છીનવી લેવાયો છે. હવે
આ પાર્ક સૌરાષ્ટ્ર ખાતે આકાર પામશે. ઔદ્યોગિક રીતે કંડલા સંકુલમાં અનેક પ્રકલ્પો આવવાના છે,
ત્યારે હજારોને રોજગારી આપતા આ પ્રકલ્પનો કચ્છમાંથી સંકેલો કરાતાં આશ્ચર્ય
સાથે આક્રોશ ભભૂકી ઊઠયો છે. - સ્માર્ટ સિટી અંતર્ગત પ્રકલ્પ હાથ ધરાયો હતો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્માર્ટ સિટી
પરિયોજના અંતર્ગત દીનદયાલ પોર્ટ દ્વારા સ્માર્ટ
ઈન્ડસ્ટ્રિયલ પોર્ટ સિટી માટે 580 એકર જમીન અનામત રાખવામાં આવી
હતી. તે પૈકી કંડલા ફર્નિચર પાર્ક માટે 100 એકર જમીન
અનામત રાખવામાં આવી હતી. જો કે, દરિયાઈ
ભરતી સહિતના મુદ્દાનાં કારણે આ જમીનના બદલે ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં જમીન નક્કી કરવામાં આવી હતી. આ મુદ્દે તત્કાલીન શિપિંગમંત્રીની
ઉપસ્થિતિમાં ઈન્વેસ્ટર મીટ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. જો કે આ જ દિન
સુધી ફર્નિચર પાર્કના મુદ્દે કોઈ કાર્યવાહી
થઈ ન હતી. - ફિક્કીની
ફર્નિચર સમિતિ સાથે બેઠક : દરમ્યાન આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો
મુજબ તાજેતરમાં ફિક્કીની ફર્નિચર સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોરબંદર ખાતે ફર્નિચર પાર્ક સ્થાપવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, તેમાં ઓબીટી, આઇકિયા,
હેટ્ટીચ ઇન્ડિયા, વૂડન સ્ટ્રીટ, મેરીનો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ફેધર લાઇટ, ઓમેગા ક્યુએમએસ, આયોટા ફર્નિચર, બસંત, હેફેલ ઇન્ડિયા અને ટેક્ટોના ગ્રાન્ડિસ ફર્નિચર સહિતની કંપનીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. - ચાઈનીઝ બજારને ટક્કર આપી શકાય
: જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલામાં
જમીનના ઊંચા ભાવના મુદ્દે ફર્નિચર પાર્ક અન્યત્ર સ્થાપવા માંગ કરાઈ હતી. આ અંતર્ગત
સૌરાષ્ટ્રમાં ફર્નિચર પાર્કનાં નિર્માણ અંગેની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. જો કે, એટલું તો નક્કી, કચ્છ
પાસેથી ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વનો એવો
ફર્નિચર પાર્કનો પ્રોજેક્ટ છીનવી લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં મહત્તમ ફર્નિચર બજાર ઉપર હાલ
ચાઈનીઝ ડ્રેગનનો દબદબો છે. જો અહીં જ સ્થાનિકે
ફર્નિચર પાર્ક નિર્માણ પામે તો ચીનની
બજારને ભારે ટક્કર આપી શકે તેટલી ક્ષમતા છે. રો- મટીરિયલ, નિકાસ
માટેના બે બંદર સહિતની સુવિધા અહીં જ ઉપલબ્ધ છે, ત્યારે કચ્છમાં
જ આ ફર્નિચર પાર્ક બનાવવામાં આવે તો કચ્છના
ઔદ્યોગિક વિકાસને બમણો વેગ મળે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. પ્રજાકીય પ્રતિનિધિઓ
આ દિશામાં રજૂઆત કરે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે. - ટિમ્બર ઉદ્યોગકારો
પાસે જ વ્યાપક જમીન ઉપલબ્ધ : ગાંધીધામ, તા. 28 : કચ્છમાં ફર્નિચર
પાર્ક સ્થાપવા માટે જમીન મામલે પ્રશ્ન અટવાયેલો રહ્યો છે. એસ.આઈ.પી.સી.માં ફાળવાયેલી
જમીનમાં દરિયાઈ પાણી ભરાવાનો મુદ્દો ઊઠયો હતો, ત્યાર બાદ જીઆઈડીસીમાં જમીન ફાળવાઈ હતી, પરંતુ ઊંચા ભાવનો
મુદ્દો પણ યથાવત્ રહ્યો હતો. ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે કે, ટિમ્બર ઉદ્યોગકારો પાસે વ્યાપક જમીન
ઉપલબ્ધ છે, ત્યારે ત્યાં જ એકમ કાર્યરત કરવાની છૂટ આપવામાં આવે
તો કોઈ પણ પ્રકારના નડતર વિના ફર્નિચર ઉત્પાદન કચ્છમાં થઈ શકે તેમ છે. ટિમ્બર ઉદ્યોગ દ્વારા સમયાંતરે ફર્નિચર પાર્ક માટે
સારી જગ્યાની માંગ કરવામાં આવી છે, પરંતુ આ દિશામાં કોઈ કાર્યવાહી
થઈ નથી.