નવી દિલ્હી, તા. 28 : ગુજરાતના
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈતિહાસમાં એક સોનેરી અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર
અને દક્ષિણ ગુજરાતના કરોડો લોકોને વર્ષોની મુશ્કેલીથી આઝાદ કરાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી
યોજના ઉપર મહોર લાગાડી દીધી છે. સરકારે પ્રોજેક્ટનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)
ઝડપથી તૈયાર કરવા માટે એજન્સીઓ પાસેથી બોલી મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ
હાઇ વે પ્રોજેક્ટનાં કારણે ભાવનગર અને સુરતની દૂરી લગભગ 240 કિમી ઘટી જશે. જેનાથી કરોડોનું
ઇંધણ બચશે. વર્તમાન સમયે ભારતનો સૌથી લાંબો સી બ્રિજ અટલ સેતુ 21.8 કિમીનો છે. જો કે ખંભાતના અખાત
ઉપર બનનારો સી બ્રિજ 30 કિમી લાંબો
હશે. આ સિક્સ લેન હાઈ સ્પીડ એક્સપ્રેસ સૂરત પાસેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને દિલ્હી-મુંબઈ
એક્સપ્રેસ વેને સીધો જોડશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ખંભાતના
અખાત ઉપર એક શાનદાર અને અત્યાધુનિક સી બ્રિજ બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું
છે. આ કનેક્ટિવિટી જામનગર-ભાવનગર-ભરૂચ હાઇસ્પીડ કોરિડોરનો એક મોટો હિસ્સો બનશે. વર્તમાન
સમયે ભાવનગરથી ભરૂચ અથવા સુરત જવા માટે બગોદરા કે વડોદરા થઈને લાંબો રસ્તો લેવો પડે
છે. જેમાં લગભગ 7થી 8 કલાક લાગે છે. જો કે નવા એક્સપ્રેસવે અને
પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત લગભગ 30 કિમી લાંબા સી બ્રિજથી આ દૂરી માત્ર 45 મિનિટથી એક કલાકમાં પૂરી થઈ
શકશે. સી બ્રિજ શરૂ થતા ભાવનગરમાં અલંગ યાર્ડ અને આસપાસના ઉદ્યોગો માટે લોજિસ્ટિક કોસ્ટમાં
ભારે કમી આવશે. આ રૂટ ધોલેરા સેમીકંડક્ટર હબને સીધા દક્ષિણ ગુજરાતના હજીરા અને અંકલેશ્વર
જેવા ઔદ્યોગિક વિસ્તાર સાથે જોડશે. આ ઉપરાંત સોમનાથ,
દ્વારકા જેવાં સૌરાષ્ટ્રનાં સ્થળોએ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ સરળતાથી
પહોંચી શકશે.