ભુજ, તા. 28 : સીમા સુરક્ષા અને ઘૂસણખોરીને
લઈને કેન્દ્ર સરકાર હાલમાં વિશેષ સક્રિય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું
કચ્છમાં આગમન થઈ ચૂક્યું છે. તેઓ રાત્રે ભુજ આવી પહોંચ્યા હતા. તેમનો આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ
મનાય છે. શાહના આ પ્રવાસને પાકિસ્તાનને સંદેશ પણ મનાય છે. આ દરમ્યાન તેઓ સરહદી સુરક્ષાની
સમીક્ષા કરશે અને અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ, તટવર્તીય દેખરેખ અંગેના નિર્ણયો લેવાય તેવી પણ શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહ
સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કચ્છ આગમન થયું છે. આવતીકાલે રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવી રહ્યા છે.
તેઓ કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમમાં જોડાશે. અમિત શાહ આવતીકાલે શુક્રવારે સવારે
10.30 વાગ્યે કચ્છના સરહદી વિસ્તારમાં
સીમા સુરક્ષા દળની જી-સાત સીમાચોકીનું ઉદ્ઘાટન કરીને સરહદ ઉપર તૈનાત સુરક્ષા દળના જવાનો
સાથે વાતચીત કરશે. આ બાદ બપોરે ઓપી ટાવર 1170 ઉપર કન્ટ્રોલરૂમનું નિરીક્ષણ અને હરામીનાળા વિસ્તારમાં વૃક્ષારોપણ
કરશે. બપોરે ત્રણેક વાગ્યે બીએસએફ સેક્ટરના મુખ્ય મથકે સીમા સુરક્ષાને લઈને દળના અધિકારીઓ
સાથે બેઠક કરશે જેમાં સુરક્ષાને વધુ સઘન કઈ રીતે બનાવાય તે અંગે ગહન ચર્ચા થશે તેવું
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.